યુક્રેનના હેલિકોપ્ટરે રશિયામાં એક ઓઇલ ડેપો પર હુમલો કરીને તેને ઉડાવી દીધો હતો, એવો રશિયાના અધિકારીઓએ દાવો કર્યો હતો. રશિયાના આક્રમણના એક મહિના કરતાં વધુ સમય પછી યુક્રેનનો પ્રથમ હવાઈ હુમલો હતો.
યુક્રેનના હેલિકોપ્ટર્સે રશિયાના બેલગોરોડ ખાતેના ઓઇલ ડિપો કે નજીકના બિઝનેસ સંકુલો પર હુમલો કર્યો હોવાના રશિયાના દાવાની તાકીદે પુષ્ટી થઈ શકી ન હતી. અગાઉ પણ રશિયાએ દાવો કર્યો હતો કે ગયા સપ્તાહે યુક્રેનને તેના પર તોપમારો કર્યો હતો, જેમા મિલિટરી પાદરીનું મોત થયું હતું. જોકે રશિયાની એરસ્પેસમાં યુક્રેનના હેલિકોપ્ટર્સ ઘૂસ્યા હોય તેવું આ પ્રથમ વખત જોવા મળ્યું છે. રશિયાના બેલગોરોડ પ્રાંતના ગવર્નરે જણાવ્યું હતું કે કથિત હવાઇહુમલામાં અનેક જગ્યાએ આગ ભભૂકી ઉઠી હતી અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.રશિયાની સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રશિયાના વિસ્તારો પરની આ ઘટના બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચેની મંત્રણા સામે જોખમ ઊભું કરી શકે છે. બંને દેશો વચ્ચેના પ્રતિનિધિઓ વચ્ચે શુક્રવારે વીડિયો લિન્ક મારફત મંત્રણા ફરી ચાલુ થઈ હતી.