રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની ચિંતા વચ્ચે યુક્રેનની રાજધાની કીવ ખાતેના ભારતીય દૂતાવાસે તેના અધિકારીઓના પરિવારજનોને તથા ભારતના નાગરિકોને યુક્રેન છોડી દેવાની રવિવારે ફરીથી સૂચના આપી છે. ભારતે યુક્રેન સાથે ફ્લાઇટ્સની સંખ્યા પરના નિયંત્રણોને પણ હટાવી દીધા છે.
દૂતાવાસે તેની નવી એડવાઇઝરીમાં રવિવારે જણાવ્યું હતું કે યુક્રેનની સ્થિતિના સંદર્ભમાં ભારે તંગદિલી અને અનિશ્ચિતાને ધ્યાનમાં રાખીને યુક્રેનમાં રહેવાનું જેમના માટે આવશ્યક નથી તેવા ભારતના તમામ નાગરિકો અને તમામ વિદ્યાર્થીઓને હંગામી ધોરણે યુક્રેન છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ અને ચાર્ટર ફ્લાઇટ રાબેતા મુજબ અને સમયપત્રક મુજબ મુસાફરી માટે ઉપલબ્ધ હોઇ શકે છે. દૂતાવાસે ચાર્ટર ફ્લાઇટ અંગેના અપડેટ માટે સંબંધિત સ્ટુડન્ટ કોન્ટ્રાક્ટર્સના સંપર્કમાં રહેવાની ભારતના વિદ્યાર્થીઓને સલાહ આપી હતી.
એડવાઇઝરીમાં જણાવાયું છે કે ભારતના વિદ્યાર્થીઓને અપડેટ માટે એમ્બેસીના ફેસબૂક પેજ, વેબસાઇટ અને ટ્વીટર હેન્ડલ પર સતત નજર રાખવાની પણ સલાહ આપવામાં આવે છે.દૂતાવાસે 15 ફેબ્રુઆરીએ પણ ભારતના નાગરિકોને કામચલાઉ ધોરણે યુક્રેન છોડી દેવાની સલાહ આપી હતી. દૂતાવાસે ભારતના નાગરિકોને તેઓ કઈ જગ્યા પર છે તેની માહિતી આપવા માટે પણ સલાહ આપી હતી, જેથી જરૂર પડે ત્યારે તેમનો સંપર્ક કરી શકાય.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દ્વિપક્ષીય એરબબલ સમજૂતી હેઠળના ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટ્સની સંખ્યા પરના નિયંત્રણોને ઉઠાવી લીધા છે, જેથી પૂર્વ યુરોપના દેશોમાંથી ભારતીય નાગરિકોને ટ્રાવેલ કરવામાં મદદ મળે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંત્રાલયે એર બબલ સમજૂતી હેઠળ ભારત-યુક્રેન વચ્ચે ફ્લાઇટ અને બેઠકોની સંખ્યા પરના નિયંત્રણો હટાવી દીધા છે. હવે કોઇ પણ સંખ્યામાં ફ્લાઇટ અને ચાર્ટર ફ્લાઇટ ઓપરેટ થઈ શકે છે. માગમાં વધારો થયો હોવાથી ભારતની એરલાઇન્સ કંપનીઓના ફ્લાઇટમાં વધારો કરવાની પણ માહિતી આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ અંગે વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.
એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ભારત અને યુક્રેન વચ્ચે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ત્રણ ફ્લાઇટનું ઉડ્ડયન કરશે. આ ફ્લાઇટ્સ બોરીસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉપડશે તથા એર ઇન્ડિયા બુકિંગ ઓફિસ, વેબસાઇટ, કોલ સેન્ટર અને સત્તાવાર ટ્રાવેલ એજન્ટ મારફત ટિકિંગ બૂક કરાવી શકાય છે.
નાટોના મહામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગે રવિવારે જણાવ્યું હતું કે રશિયા ખોટા બહાના હેઠળ યુક્રેન પર સંપૂર્ણકક્ષાનું યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે.રશિયાએ કોઇ સૈનિકો પણ પરત બોલાવી દીધા નથી. તેમણે રશિયા સમર્થિત યુક્રેન બળવાખોરોના કબજા હેઠળમાંથી ડેનેત્સ્ક અને લુહાન્સ્ક વિસ્તારોમાંથી લોકોના રશિયામાં સ્થળાંતર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. બળવાખોરો આ વિસ્તારોમાં યુક્રેન સાથેના યુદ્ધવિરામનો પણ ભંગ કરી રહ્યાં છે.
નાટો પૂર્વ યુરોપમાં વિસ્તરણ ન કરવાના વચનનો ભંગ કરી રહ્યું હોવાના રશિયાના આક્ષેપનું પણ નાટો પ્રમુખે ખંડન કર્યું હતું.અગાઉ સ્વિત્ઝર્લેન્ડે પણ તેના નાગરિકોને ડોનબાસ પ્રાંતના ડોનેત્સ્ક અને લુહાન્સ્ક વિસ્તારોમાંથી સ્વીસ નાગરિકોને બહાર નીકળી જવાની સલાહ આપી હતી. રશિયાએ યુક્રેનની સીમા પર આશરે 1.50 લાખ સૈનિકો તૈનાત કર્યા છે.
—