યુક્રેન સાથે યુદ્ધની આશંકાઓ વચ્ચે રશિયાએ બેલિસ્ટિક, ક્રૂઝ મિસાઇલો સાથે પરમાણુ યુદ્ધાભ્યાસ ચાલુ કર્યો છે. ક્રેમલિનના પ્રવક્તાએ આ સૈન્ય અભ્યાસને પુષ્ટી આપી હતી. બીજી તરફ અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિનને જણાવ્યું હતું કે યુક્રેન પર આક્રમણ કરવા માટે રશિયાના સૈનિકો તૈયાર છે. રશિયાએ યુક્રેન સરહદ નજીક મોટી સંખ્યામાં યુદ્ધવિમાનો તૈનાત કર્યા હોવાનું પણ એક સેટેલાઇટ તસવીરમાં બહાર આવ્યું હતું. યુક્રેનના બળવાખોરોએ વિસ્ફોટો અને ગોળીબાર ચાલુ કર્યો હતો અને બળવાખોરોને ઉશ્કેરીને રશિયા યુક્રેન પર હુમલો કરે તેવી આશંકા છે.
રશિયા અને યુક્રેનના નેતાઓ નિવેદનો કરી રહ્યાં છે, બીજી તરફ રશિયાનું સમર્થન ધરાવતા યુક્રેનના અલગતાવાદીઓ યુક્રેનમાં વિસ્ફોટો કરી રહ્યાં છે. યુક્રેનના લશ્કરી દળોએ આક્ષેપ કર્યો હતો કે બળવાખોરાના કબજા હેઠળના યુક્રેનના શહેરના ઉત્તર વિસ્તારમાં અનેક વિસ્ફોટોનો અવાજ સંભળાયા હતા. બળવાખોરોએ 12 વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
યુક્રેનના ડોનેત્સ્ક વિસ્તારમાં અલતાવાદી સરકારના વડા ડેનિસ પુશિલિને યુદ્ધ માટે તૈયાર રહેવાનો તેના સૈનિકોને આદેશ આપ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે યુક્રેનના સૈનિકો તેમના વિસ્તારમાં મોટા પાયે ગોળીબાર કરી રહ્યાં છે. અલગતાવાદીઓના ગોળીબારમાં યુક્રેનના એક સૈનિકોનું મોત થયું હતું. યુક્રેનની સેનાએ જણાવ્યું હતું કે અલગતાવાદીઓએ 20થી વધુ વિસ્તારોમાં ગોળીબાર કર્યા હતા અને રોકેટ છોડ્યા હતા. બળવાખોરોએ એક ગેસ પાઇપલાઇન અને કારને પણ વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી. આ બંને બ્લાસ્ટને રશિયાના યુદ્ધના ટ્રેલર તરીકે જોવામાં આવે છે. યુક્રેનને આ હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું, જ્યારે રશિયાએ તેને યુક્રેનનું ષડયંત્ર ગણાવ્યું હતું.