બ્રિટને ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના નફા પર 25 ટકા વિન્ડફોલ ટેક્સની ગુરુવારે જાહેરાત કરી છે. આ સાથે લોકોને એનર્જીના વધતાં બિલમાં રાહત આપવા માટે 15 બિલિયન પાઉન્ડના પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ હિલચાલથી યુકેમાં પરિવારોને તેમના એનર્જી બિલમાં 400 પાઉન્ડનું ડિસ્કાઉન્ટ મળશે. નીચી આવક ધરાવતા પરિવારોને વધુ રાહત મળશે. આ નિર્ણય વડાપ્રધાન બોરિસ જોન્સન સરકારના હૃદય પરિવર્તનનો સંકેત આપે છે, કારણ કે સરકાર અગાઉ માનતી હતી કે આવા ટેક્સથી રોકાણ સામે અવરોધ ઉભો થશે.
એનર્જીના વધતાં બિલ સામે આ વર્ષે સરકારે બીજીવાર નીતિવિષયક દરમિયાનગીરી કરી છે. જોન્સન સરકાર એનર્જી બિલમાં લોકોને વધુ સહાય પૂરી પાડવાના રાજકીય દબાણનો સામનો કરી રહી છે. વિપક્ષો અને કેમ્પેનર્સે તેને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ગણાવી હતી. નાણાપ્રધાન પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે બ્રિટનની જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે ત્યારે એનર્જી કંપનીઓ અસાધારણ નફો કરી રહી છે.
સુનકે સંસદમાં જણાવ્યું હતું કે અમે હંગામી અને ટાર્ગેટેડ પ્રોફિટ ટેક્સ લાદીશું, પરંતુ અમે આ નવા ટેક્સમાં નવા ઇન્વેસ્ટમેન્ટ એલાવન્સનો પણ સમાવેશ કર્યો છે. આનો અર્થ એવો થાય છે કે કંપનીઓને તેમના નફાના પુનઃરોકાણ માટે નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. કંપનીઓ જેટલું વધુ રોકાણ કરશે તેટલો ઓછો ટેક્સ ચુકવશે.
સુનકે આ નવા ટેક્સને વિન્ડફોલ ટેક્સ ગણાવ્યો ન હતો. સુનકે જણાવ્યું હતું કે આ નવા ટેક્સથી આગામી 12 મહિનામાં 5 બિલિયન પાઉન્ડ એકત્ર કરી શકાશે તથા ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ સામાન્ય બન્યા બાદ આ ટેક્સને તબક્કાવાર ધોરણે નાબૂદ કરાશે. રાહત પેકેજના બાકીના નાણા ક્યાંથી આવશે તેની સુનકે માહિતી આપી ન હતી.
સુનકે જણાવ્યું હતું કે કંપનીઓ માટે નવું ઇન્વેસ્ટમેન્ટ એલાવન્સ હશે, તેનાથી રોકાણ પર કંપનીઓને બમણી ટેક્સ રાહત મળશે.