કોરોનાવાઇરસનો દેશવ્યાપી રોગચાળો નવા પ્રકારના વાયરસના કારણે હતાશાજનક અને ભયજનક સ્થિતીમાં છે ત્યારે વડા પ્રધાન બોરિસ જોન્સને ઇંગ્લેન્ડમાં અને નીકોલા સ્ટર્જને સ્કોટલેન્ડમાં નવા કોરોનાવાયરસ લૉકડાઉનની જાહેરાત કરી છે. વેલ્સમાં મોટાભાગના વિદ્યાર્થીઓ માટે 18 જાન્યુઆરી સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે જ્યારે નોર્ધર્ન આયર્લેન્ડની શાળાઓમાં હજૂ ઓનલાઇન શિક્ષણ અપાશે. ઇંગ્લેન્ડમાં ઉનાળામાં સામાન્ય વર્ષની જેમ GCSE અને A લેવલની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં અને વૈકલ્પિક વ્યવસ્થાની અલગથી જાહેરાત કરવામાં આવશે.
દેશમાં કોરોનાવાયરસના કારણે તા. 4 સુધીમાં કુલ 75,431 લોકોના મોત થઇ ચૂક્યા છે અને તા. 3ના રોજ 407 દર્દીઓ મોતને ભેટ્યા હતા. હાલમાં 23,823 લોકો સારવાર હેઠળ હોસ્પિટલ્સમાં દાખલ છે. કુલ કેસની સંખ્યા 2.71 મિલીયન થઇ છે.
યુકેના ચિફ મેડિકલ ઓફિસરે વડાપ્રધાનને કોવિડ એલર્ટનું સ્તર વધારીને પાંચ કરવાની ભલામણ કર્યા પછી સરકારે આ અંગે 22 પાનાનો દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે જેમાં નવા નિયમોની વિગતવાર રૂપરેખા આપવામાં આવી છે. આ નવા બંધનો પર મત આપવા માટે હાઉસ ઑફ કૉમન્સમાં સાંસદોને બુધવારે પરત બોલાવવામાં આવ્યા છે. લેબર નેતા સર કેર સ્ટાર્મરે તેમના સાંસદો “પગલાંના પેકેજને ટેકો આપશે” એમ કહી “આ કાર્ય કરવા માટે આપણે બધાએ સાથે મળીને આગળ વધવું પડશે” તેમ જણાવ્યું હતું.
જે રીતે દેશમાં કોવિડ રોગચાળો ફેલાઇ રહ્યો છે તે જોતાં ફરી એકવાર એનએચએસ માટે ખતરો ઉભો થયો છે જેના કારણે મંત્રીઓ પર આકરા પગલાં માટે દબાણ કરવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડમાં ક્રિસમસના દિવસથી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં 50% વધારો થયો છે. દેશની 18 હોસ્પિટલો પૂરી ભરાયેલી હોય તેટલા દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે અને આ રોગના દર્દીઓ દ્વારા દર 10માંથી ત્રણ પથારી પર કબજો કરાયેલો છે અને કેટલીક હોસ્પિટલોમાં તો આ દર 10માંથી છ કરતા વધારે છે અને તે સંખ્યામાં હજૂ વધારો થવાનો છે.
ઇંગ્લેન્ડમાં સંભવત: ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી ચાલનારા આ લોકડાઉન દરમિયાન અનુમતિવાળા કારણો સિવાય ઘરે જ રહેવા આદેશ અપાયો છે.
ડાઉનિંગ સ્ટ્રીટથી બોલતા બોરિસ જોન્સને ચેતવણી આપી છે કે વધતા જતા કેસો અને દર્દીઓની સંખ્યાને જોતાં આગામી અઠવાડિયા “સૌથી મુશ્કેલ” રહેશે. વાયરસનો નવો ચેપ સમગ્ર યુકેમાં ફેલાય છે તે જોતાં ટોચનાં ચાર પ્રાધાન્ય ધરાવતા જૂથોમાં આવતા લોકોને મહિનાના મધ્ય સુધીમાં પ્રથમ રસીનો ડોઝ આપવામાં આવશે. બધા કેર હોમના રહેવાસીઓ અને તેમની સંભાળ કરનારા લોકો, 70 અને તેથી વધુ વયના દરેક લોકો, બધા ફ્રન્ટલાઈન હેલ્થ એન્ડ સોસ્યલ કેર કાર્યકરો અને આરોગ્યની રીતે અત્યંત નબળા લોકોને ફેબ્રુઆરીના મધ્યમાં રસીનો પહેલો ડોઝ આપવામાં આવશે.’’
જોન્સને ઉમેર્યું હતું કે ‘’બુધવારે તા.6ના રોજ વહેલી તકે કાયદો બને તે પહેલાં લોકોને તાત્કાલિક નવા લોકડાઉન નિયમોનું પાલન કરવું. દેશ “સંઘર્ષના છેલ્લા તબક્કામાં” પ્રવેશ કરી રહ્યો છે અને હોસ્પિટલો રોગચાળાની શરૂઆત પછી કોવિડથી વધુ દબાણમાં છે. હું લોકોને ઘરે જ રહેવા, એનએચએસનું રક્ષણ કરવા અને જીવન બચાવવા વિનંતી કરૂ છું. જે લોકો તબીબી દ્રષ્ટિએ અત્યંત નબળા છે તેમનો પત્ર દ્વારા સંપર્ક કરી તેમને વધુ એક વાર રક્ષણ અપાશે.’’
સોમવારે તા. 4ના રોજ યુકેમાં સતત સાતમા દિવસે 50,000થી વધુ નવા પુષ્ટિ થયેલા કોવિડ કેસ નોંધાયા હતા. પોઝીટીવ ટેસ્ટ પરિણામના 28 દિવસની અંદર વધુ 58,784 કેસ અને વધારાના 407 મૃત્યુ નોંધાયા હતા, જોકે સ્કોટલેન્ડમાં મૃત્યુ નોંધાયા નથી. આ અઠવાડિયામાં કોવિડના દર્દીઓની સંખ્યામાં 30%નો વધારો નોંધાયો છે.
નવા પગલાં હેઠળ સપોર્ટ અને ચાઇલ્ડકેર બબલ્સ ચાલુ રહેશે. લોકો એક્સરસાઇઝ માટે બીજા ઘરની એક વ્યક્તિને મળી શકે છે. સાંપ્રદાયિક પૂજા અને અંતિમવિધિ અને લગ્ન જેવા પ્રસંગો હાજરીની મર્યાદાને આધિન ચાલુ રાખી શકે છે.
કોવિડ લેવલ પાંચનો અર્થ એ છે કે એનએચએસ ટૂંક સમયમાં કેસોમાં વધુ સતત વધારાને નિયંત્રિત કરવામાં અસમર્થ થઈ શકે છે. હોસ્પિટલો એક “નિર્ણાયક તબક્કે” હતી અને “તાત્કાલિક અને નિર્ણાયક પગલાં” જરૂરી છે.
સ્કોટલેન્ડમાં કડક પગલાની ઘોષણા કરતા ફર્સ્ટ મિનીસ્ટર નિકોલા સ્ટર્જને કહ્યું હતું કે “ગયા વર્ષના માર્ચ માસ કરતાં હું હવે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છું તેના વિષે હું વધારે ચિંતિત છું તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.”