યુકેની મોટાભાગની ટ્રેન સેવાઓ પાંચ દિવસની હડતાલ પર જતા તા. 3ના રોજ પ્રથમ દિવસે મંગળવારે જ જનજીવન અસરગ્રસ્ત થઇ ગયું હતું. નેટવર્ક રેલે લોકોને સલાહ આપી છે કે જો આખા અઠવાડિયા દરમિયાન એકદમ જરૂરી હોય તો જ મુસાફરી કરવી અને અપડેટ્સ માટે ઑનલાઇન તપાસ કરવી. પહેલા જ દિવસે બ્રિટનનું મોટા ભાગનું રેલ નેટવર્ક બંધ થઇ ગયું હતું અને શહેરી અને ઇન્ટરસિટી લાઇન પરના મુસાફરો માટે માત્ર એક હાડપિંજર જેવી સેવા છોડી દીધી હતી.
મુસાફરોને જો જરૂરી હોય તો જ મુસાફરી કરવાનો પ્રયાસ કરવા વિનંતી કરવામાં આવી હતી. પહેલા દિવસે લગભગ 20% ટ્રેનો દોડવાની અપેક્ષા રાખવામાં આવી હતી અને કામગીરીના નિર્ધારિત કલાકો સવારે 7.30 થી સાંજના 6.30 વાગ્યા સુધી સિમિત કરાયા હતા. મંગળવારે બ્રિટનની લગભગ અડધી રેલ્વે લાઇન બંધ થયા બાદ સમગ્ર યુકેમાં પ્રિ-પેન્ડેમિક લેવલ પર ભીડ ઓછી રહી હતી.
નેટવર્ક રેલના રેલ, મેરીટાઇમ અને ટ્રાન્સપોર્ટ યુનિયનના સભ્યો અને 14 ટ્રેન ઓપરેટરો 48-કલાકના સમયગાળા માટેના બે તબક્કામાં મંગળવારથી અને ફરી શુક્રવારથી હડતાળ પર ઉતરનાર છે.
હડતાલ પર ઉતરેલા 40,000 RMT સભ્યોના કારણે વેલ્સ, સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડના ઓછા વસ્તીવાળા વિસ્તારોમાં મોટાભાગની રેલ્વે લેવા ચાલી ન હતી. જ્યારે મુખ્ય માર્ગો પરની સેવાઓ – એક કલાકમાં એક ટ્રેન સુધી ઘટાડવામાં આવી હતી. દરમિયાન, અસલેફ યુનિયનના ટ્રેન ડ્રાઇવરો વચ્ચેના દિવસે ગુરુવારે તા.5ના રોજ 24 કલાક માટે હડતાળ કરનાર છે. જેના કારણે સાઉથઈસ્ટર્ન, થેમસલિંક, અવંતિ અને ટ્રાન્સપેનાઈન એક્સપ્રેસ સહિત 15 ઓપરેટરો દ્વારા કોઇ પણ ટ્રેન ચાલશે નહીં.
આ અગાઉ ક્રિસમસ પર્વે ત્રણ અઠવાડિયા સુધી હડતાળ પાડી રેલવે સેવાઓમાં ગંભીર રીતે વિક્ષેપ પાડ્યો હતો. રેલ્વેમાં પગાર, નોકરીઓ અને કામકાજની સ્થિતિને લઈને લાંબા સમયથી ચાલી રહેલી લડાઈ બાદ હડતાલ પાડવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટે જણાવ્યું હતું કે રેલ મંત્રી તમામ પક્ષો સાથે નિયમિત સંપર્કમાં રહ્યા હતા અને સરકારે ડીલ કરવા માટે નોંધપાત્ર પગલાં લીધાં હતાં.
ટ્રેન ઓપરેટર્સનું પ્રતિનિધિત્વ કરતા રેલ ડિલિવરી ગ્રૂપે બિનજરૂરી અને નુકસાનકારક વિક્ષેપ” બદલ મુસાફરોની માફી માંગી, ચેતવણી આપી હતી કે આ વિવાદનો ફક્ત કાર્યકારી વ્યવસ્થામાં સુધારો આવશે તો જ ઉકેલ આવશે.
હડતાળ પર ઉતરેલા રેલ કામદારો પર અર્થતંત્ર અને બિઝનેસીસને નુકશાન પહોંચાડી ક્રિસમસના વિરામ પછી કામ પર પરત થતા લાખો લોકોની તકનું ‘શોષણ’ કરવાનો આરોપ મૂકાયો હતો.
RMT યુનિયનના મિક લિન્ચે દાવો કર્યો છે કે જો પ્રશ્નોનો હલ નહિં આવે તો હડતાલ મે પછી પણ ચાલુ રહી શકે છે.
લંડન ચેમ્બર ઓફ કોમર્સના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ બર્ગે જણાવ્યું હતું કે હડતાલ એ બિઝનેસીસ માટે આપત્તિજનક છે, જેને 2023ની સારી શરૂઆતની જરૂર છે જે આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલ વર્ષ હશે. હડતાલ માટે સરકાર અને યુનિયન બંનેને ‘દોષીત’ છે. યુનિયનો બે વર્ષના લોકડાઉન ફર્લો પર હતા અને સુરક્ષિત થયા પછી હવે ‘પરિસ્થિતિનું શોષણ’ કરી રહ્યા છે.