નાના બિઝનેસીઝ તથા ઉદ્યોગોને આવતા અઠવાડિયાથી £50,000 સુધીની લોન આપવામાં આવશે જેનુ પ્રથમ 12 મહિનાનુ વ્યાજ સરકાર ચૂકવશે. મોટા ભાગની કંપનીઓને લોનની મંજૂરી માત્ર 24 કલાકમાં આપવામાં આવશે. નાની કંપનીઓ તેમના વાર્ષિક ટર્નઓવરના 25 ટકા સુધીની રકમ લોન પેટે લઇ શકશે એવી ચાન્સેલર ઋષી સુનાકે તા. 27ના રોજ જાહેરાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે કોરોના વાઈરસથી અસરગ્રસ્ત કેટલીક કંપનીઓ ટેકો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.
સરકારની હાલની લોન યોજનાનું વિસ્તરણ કરતા ઋષિ સુનાકે જણાવ્યું હતું કે ‘’અરજીની પ્રક્રિયા સરળ, ઝડપી હશે અને તેનુ ફોર્મ પણ સામાન્ય હશે અને બેન્કો અરજદારોની ફક્ત “રૂઢીગત” તપાસ કરશે. ટ્રેઝરીએ જાહેર કર્યું કે 3.8 મિલિયન લોકોને કંપનીઓ દ્વારા ફર્લો કરાયા છે અને તેમને £4.5 બિલિયનની સરકાર દ્વારા મદદ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે ચારમાંથી એક કંપનીએ કામકાજ બંધ કરી દીધું છે.
હાલની કોરોના વાઈરસ બિઝનેસ ઇન્ટરપ્શન લોન કંપનીઓને, ટકી રહેવા માટે મથી રહેલા બિઝનેસીઝને પૂરતી મદદ કરવામાં નિષ્ફળ રહી હોવાના દાવા બાદ નાના ઉદ્યોગોને વધારાનો ટેકો પૂરો પાડવા માટેનું દબાણ સુનક ઉપર વધી રહ્યું હતું. જેમાં £5 મિલિયનની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે અને સરકાર દ્વારા 80 ટકા લોનની બાંયધરી આપવામાં આવે છે.
ગયા સપ્તાહના છેલ્લા આંકડા મુજબ યોજના હેઠળ 16,600 ઉદ્યોગોને £2.8 બિલિયનની લોન મંજુર કરવામાં આવી છે અને તેમાંથી 9,000ને લોન ચૂકવવામાં આવી હતી. લોનની મંજુરીનો દર 46 ટકા છે.
શેડો ચાન્સેલર એનેલિઝ ડોડ્સે સુનાકની ઘોષણાને આવકારી હતી પરંતુ કહ્યું હતું કે સરકારના આર્થિક પેકેજના ભાગો “નિષ્ફળ” રહ્યા છે.