એ લેવલ અને GCSEની પરીક્ષાના પરિણામો દરમિયાન હોલી ડે કરવા સ્કોટલેન્ડ જવા બદલ ટીકાનો ભોગ બનેલા એજ્યુકેશન મિનીસ્ટર ગેવિન વિલિયમસનને લોકોએ રાજીનામુ આપવા કહેતા બોરિસ જ્હોન્સને શાળાઓ શરૂ કરવાના એજન્ડા માટે સુકાન સંભાળ્યું છે. તેમણે સપ્ટેમ્બરના પહેલા વીકમાં ઇંગ્લેન્ડના બાળકોને શાળાઓમાં પરત મોકલવા માતા-પિતાને અંગત વિનંતી કરી શિક્ષણ પર તેમની પકડ ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ સરકાર શાળાઓને કોવિડ-19નું ટેસ્ટીંગ કરવા કીટ આપનાર છે.
વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે ‘’શાળાઓમાં કોરોનાવાયરસનો ચેપ લાગવાનું જોખમ ઓછું છે અને બાળકો લાંબા સમય સુધી શિક્ષણથી દૂર રહેશે તો તે તેમને માટે નુકસાનકારક રહેશે. મેં અગાઉ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળાઓમાં મોકલવાની નૈતિક ફરજ વિશે વાત કરી છે. ઉનાળાના મહિનાઓમાં કોવિડ-સલામત વર્ગખંડો બનાવવા બદલ હું શાળાના સ્ટાફનો આભાર માનું છું જેથી બાળકો સપ્ટેમ્બર શાળાએ પરત થઇ શકે. અમને હંમેશાં વૈજ્ઞાનિકો અને તબીબી નિષ્ણાતોનું માર્ગદર્શન મળ્યું છે. આપણા બાળકો વધુ શીખે અને તેમના મિત્રો સાથે વર્ગોમાં પાછા ફરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.’’
એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસને વચન આપ્યું છે કે ‘’આગામી સપ્તાહે શાળાઓ ફરીથી શરૂ થાય તે પહેલા તમામ શાળાઓને કોવિડ હોમ ટેસ્ટ કીટનો સ્ટોક અપાશે અને વર્ગમાં બીમાર બનેલા વિદ્યાર્થીઓને તે આપવામાં આવશે. સ્થાનિક સ્તરે કોરોનાવાયરસ ફાટી નહિં નીકળે ત્યાં સુધી શાળાઓને બંધ કરવામાં આવશે નહિં. શાળાઓને ‘સંપૂર્ણ અંતિમ ઉપાય’ તરીકે જ બંધ કરવામાં આવશે. શિક્ષકો બીમાર બાળકોને કીટ સાથે ઘરે મોકલશે જેથી કુટુંબના સભ્યો તેનો ઉપયોગ કરી બાળકને કોવિડ-19 છે કે કેમ તે નિર્ધારિત કરી શકશે. શાળાના સ્ટાફને પણ માર્ગદર્શિકા હેઠળ સ્વેબ કીટ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો તેમના ટેસ્ટ નેગેટીવ આવશે તો તેઓ શાળામાં પાછા જઇ શકે છે. પણ જો તેમના ટેસ્ટ પોઝીટીવ આવશે તો તેમને ઘરે આઇસોલેટ થવા મોકલવામાં આવશે જ્યારે શાળા ચેપના ફેલાવાને મર્યાદિત કરવા માટે પગલાં લેશે.
ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું હતું કે ‘’યુકે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વર્ગમાં ફેસ માસ્ક પહેરવાનું જણાવવાની કોઈ યોજના નથી. જો કે સ્કોટલેન્ડમાં સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને વર્ગમાં જતી વખતે ફેસ માસ્ક પહેરવાનું કહેવામાં આવશે.
ચીફ મેડિકલ ઑફિસર ક્રિસ વ્હિટ્ટીએ કહ્યું હતું કે ‘’બાળકોને શાળાએ ન જાય અને ઘરે રહે તો વધારે નુકસાન થઈ શકે છે.’’
અગાઉથી ભૂલોની ચેતવણી આપવામાં આવી હોવા છતાં, પરીક્ષાના વૉચડૉગ ઑફકૉલ દ્વારા લાગુ કરાયેલ અલ્ગોરિધમના નિયમોને કારણે ઘણાં વિદ્યાર્થીઓના એ-લેવલનાં પરિણામોનો ગ્રેડ ઓછો આવ્યો હતો. જેથી કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ ચૂકી ગયા હતા. તે પછી સરકારને શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કરી ગ્રેડ આપવા માટે મંજૂરી આપવા દબાણ કરવામાં આવ્યું હતું. જેને કારણે સરકારે શરમજનક યુ-ટર્ન લેવો પડ્યો હતો. બનાવ બાદ કરાયેલા પોલમાં જ્હોન્સન વડા પ્રધાન બન્યા પછી પ્રથમ વખત ટોરી પાર્ટી લેબર કરતા માત્ર બે પોઇન્ટ આગળ રહી હતી.
ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ અને વેલ્સના ચિફ મેડિકલ ઓફિસર્સ અને ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર્સે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’અમને વિશ્વાસ છે કે પુરાવાઓને જોતા કોવિડ-19ના કારણે પ્રાથમિક અથવા માધ્યમિક શાળાની વયના બાળકોનું મૃત્યુ પામવાનું જોખમ અસાધારણ છે.’’
આ મહિનાની શરૂઆતમાં સ્કોટલેન્ડની શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે, જ્યારે ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં સપ્ટેમ્બરની શરૂઆતથી તમામ વિદ્યાર્થીઓ શાળાએ જશે તેવી અપેક્ષા છે.
એજ્યુકેશન સીલેક્ટ કમીટીના અધ્યક્ષ અને ટોરી સાંસદ રોબર્ટ હાફને કહ્યું હતું કે ‘’હું સમજુ છું કે માતાપિતા ચિંતિત હશે, પરંતુ બાળકોને ઘરે રાખવાનું પણ જોખમ છે. શાળાઓના અભાવે બાળકો શૈક્ષણિક ગરીબીના રોગચાળામાં સપડાઇ જાય તેમ છે.’’ જ્યારે પૂર્વ પ્રધાન થેરેસા વિલિયર્સે કહ્યું હતું કે ‘’વડા પ્રધાન ભારપૂર્વક સંકેત મોકલી રહ્યા છે કે બાળકોને શાળાએ પાછા લાવવા એ તેમની પ્રાથમિકતા છે.’’
લેબર નેતા કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’સરકારની અસમર્થતા અને પરીક્ષા ફિયાસ્કોથી સર્જાયેલી અરાજકતા બધા બાળકોને શાળામાં પાછા લાવવાની યોજનાઓને કારણે ગંભીર જોખમમાં મૂકે છે.