મધ્યપ્રદેશના ખરગોન અને દિલ્હીના જહાંગીરપુરીના કોમી તોફાનોને પગલે બ્રિટનના કેટલાંક સાંસદોએ વ્યક્ત કરેલી માનવાધિકારની ચિંતા અંગે કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ રવિવારે પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્રીય કાયદા પ્રધાને જણાવ્યું હતું કે આ માટે બ્રિટનના યુવાન સાંસદોનો વાંક નથી, કારણ કે તેઓ વાસ્તવિકતા જાણતા નથી. આ માટે ભારત સરકારની પ્રચંડ સફળતાને બદનામ કરવાનો એકમાત્ર ઇરાદો ધરાવતી ટૂકડે-ટૂકડે ગેંગ દ્વારા ચલાવવા આવેલો દુષ્પ્રચાર જવાબદાર છે. ભારત કાયદાના શાસનમાં માને છે.
યુકેની બે મહિલા સાંસદ ઝારાહ સુલ્તાન અને નાદિયા વ્હિટ્ટોમીએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની ગુજરાતમાં જેસીબીની ફેક્ટરીની મુલાકાત અને જેસીબી પર જોન્સનની સવારીનો ઉલ્લેખ કરીને ભારતમાં માનવાધિકારના મુદ્દા ઉઠાવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં તાજેતરની કોમી હિંસાના આરોપીઓની દુકાનો અને મકાનોને ધરાશાયી કરવા માટે જેસીબીના બુઝડોલરનો ઉપયોગ થયો હતો. બ્રિટનની બંને સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે આ જ કંપનીના બુઝડોલરનો ઉપયોગ કરીને મુસ્લિમોના મકાનો અને દુકાનો તોડવામાં આવ્યા છે.
બંને મહિલા સાંસદો સવાલ કર્યો હતો કે બોરિસ જોન્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ભારતમાં માનવાધિકારાનો મુદ્દો ઉઠાવ્યો હતો કે નહીં. બંને સાંસદોએ એ પણ જાણવા માગ્યું હતું કે પીએમ જોન્સનની મુલાકાતથી મોદીની કટ્ટર જમણેરી સરકારને પોતાના પગલાંને કાનૂની જામા પહેરવામાં મદદ મળી છે તે વાતનો જોન્સન સ્વીકાર કરે છે કે નહીં.
સાંસદ નાદિયા વ્હિટ્ટોમીએ જણાવ્યું હતું કે ભાજપ મુસ્લિમોના મકાનો અને દુકાનો તોડવા માટે જેબીસી બુલડોઝરનો ઉપયોગ કરી રહી છે. બોરિસ જોન્સને ભારતની તાજેતરની મુલાકાતમાં જેસીબી સાથે પોઝ આપ્યો હતો, પરંતુ તેમના પ્રધાન એ કહેતા નથી કે તેમમે મોદી સાથે આ ડિમોલિશનનો મુદ્દો ઉઠાવ્યો હતો કે નહીં.બ્રિટનના વડાપ્રધાન જોન્સન તાજેતરમાં ભારતની બે દિવસની યાત્રા પર આવ્યા હતા. આ યાત્રામાં બીજા ઘણા મુદ્દા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ જોન્સનની જેસીબી ફેક્ટરીની મુલાકાતથી વિવાદ ઊભો થયો હતો.