યુકે સરકારે જણાવ્યું હતું કે, મંકીપોક્સના કેસોમાં વધારો થતાં તેની સામે રક્ષણ આપવા માટે શીતળાની રસીઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, મંકીપોક્સ શીતળા જેવો વાઇરલ ચેપ છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું હતું કે, તેમને ઇંગ્લેન્ડમાં મંકીપોક્સના 36 વધુ કેસ શોધી કાઢ્યા છે, જેથી આ મહિનાની શરૂઆતથી દેશમાં નોંધાયેલા કેસોની કુલ સંખ્યા 56 પર પહોંચી છે.
યુકેના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ગત સપ્તાહે જી7 આરોગ્ય પ્રધાનોની બેઠકમાં જણાવ્યું હતું કે, દેશમાં મંકીપોક્સના મોટાભાગન કેસ હળવા છે અને તેની સામે અસરકારક રસીઓના વધુ ડોઝનો જથ્થો મેળવવામાં આવ્યો છે.’
મંકીપોક્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા કપડાંથી નજીકના સંપર્કમાં આવનારમાં ચેપ ફેલાય છે. જોકે, એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાઇરસ સામાન્ય રીતે લોકો વચ્ચે સરળતાથી ફેલાતો નથી અને યુકેની વસ્તીમાં તેનું ફેલાવવાનું જોખમ ઓછું છે. કોઈપણ વ્યક્તિના શરીરના કોઈપણ ભાગ પર અસામાન્ય ફોલ્લીઓ અથવા જખમ હોય તો નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને 111 પર કોલ કરવાની વિનંતી કરવામાં આવી છે.