યુકેમાં લોકડાઉન દરમિયાન પાર્ટટાઇમ કામ કે ઘેરથી આવતા નાણાં ખલાસ થઇ જતાં સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને ફુડબેંક્સના આશરે જીવવાનો વારો આવ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ ફી નહીં ભરી શકતા યુનિવર્સિટી તરફથી હકાલપટ્ટીના ભયે વિઝા પણ રદ થવાના જોખમ ઊભા થયા છે. પૂર્વ લંડનના ન્યૂહામ સામુદાયિક પ્રોજેક્ટના આયોજક ઇલ્યાસ ઇસ્માઇલના કહેવા પ્રમાણે તેમના પ્રોજેક્ટ અંતર્ગત 600 જેટલા જરૂરતમંદ વિદ્યાર્થીઓને ભોજન પુરૂ પાડવામાં આવે છે. મોટા ભાગે ભારતથી આવેલા અને માસ્ટર્સ ડિગ્રી કરતા આ વિદ્યાર્થીઓને વ્યાજબી વિદ્યાર્થીપણા અને નોંધણી માટે જણાવાય છે.
ગૃહમંત્રાલયની માર્ગદર્શિકા પ્રમાણે પૂર્ણ સમયના અભ્યાસી વિદ્યાર્થીને સપ્તાહમાં 20 કલાક કામ કરવાની છૂટ મળે છે પરંતુ કોરોનાના રોગચાળાથી વિદ્યાર્થીઓને બેવડો માર પડ્યો છે. મોટા ભાગનાએ કામ ગુમાવ્યું છે તથા ઘેરથી નાણા આવી શકતા નથી. પૂર્વ લંડન યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી કરતી હૈદ્રાબાદની રહેમુનિસા શાઇક ગત સપ્ટેમ્બરમાં તેના પતિના આશરે ડીપેન્ડન્ટ વિઝા ઉપર યુકે આવી હતી. રોગચાળાના કારણે તેના પતિએ જોબ ગુમાવી. તે મેમાં એક પુત્રીની માતા પણ બની છે. આ દંપતિ બે મહિનાનું ભાડું ભરી શક્યું નથી. રહેમુનિસાએ યુનિવર્સિટીને પણ 1500 પાઉન્ડ આપવાના બાકી છે.
રહેમુનિસાને ઘેરથી (હૈદરાબાદ) નાણાં આવવાની આશા છે.પૂર્વ લંડન યુનિવર્સિટીના કહેવા પ્રમાણે ઘણા વિદ્યાર્થીઓને નાણાંભીડની જાણકારી હોવાથી લગભગ 1 મિલિયન પાઉન્ડનું ભંડોળ ફાળવાયું છે. અપવાદરૂપ કિસ્સ્માં જે તે ફી ભરવાની મુદત સપટેમ્બર સુધી લંબાવાઇ છે. અન્ય છ યુનિવર્સિટીઓએ ફી ભરવાની મુદત ડીસેમ્બર સુધી લંબાવવાની સંમતિ આપી છે. જોકે, એન્ગ્લિયા રસ્કીન યુનિવર્સિટીનો 4100 પઉન્ડ સાત દિવસમાં ભરવા જણાવતો ઇ-મેઇલ પણ એક વિદ્યાર્થીને મળ્યો છે.
યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશનના પત્ર પ્રમાણે જે વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા હોય કે કાઢી મૂકાયા હોય તેની જાણ યુનિવર્સિટીએ કરવાની હોય છે. જેથી આવા જરૂરતમંદોને જરૂરી સહાય કરી શકાય.રોયલ કોલેજ ઓફ આર્ટમાં માસ્ટર્સ ડીગ્રી પૂરી કરનાર ચાઇનીઝ વિદ્યાર્થી લેક્ષીઆઓ ગુઆને 7100 પાઉન્ડ ફી ભરવાની બાકી છે. સામાન્યતઃ ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઇનિંગ અને ટ્યુશન કરી ફી ભરતા ગુઆન અને તેના જેવા અન્ય વિદ્યાર્થીઓ માટે મુદત વધારાઇ છે પરંતુ ફી ના ભરાય ત્યાં સુધી અંતિમ પરિણામ અટકેલું રહેશે. ન્યૂહામમાં ઇલ્યાસના જણાવ્યા પ્રમાણે રમઝાનના અંતે તેમને 50 મુસ્લિમ વિદ્યાર્થીઓને ભોજનની તકલીફની જાણ થયા બાદ આ સંખ્યા વધતી ગઇ છે. રોગચાળા અગાઉ 30 જેટલા પરિવારોને અપાતી સહાય હવે 20 ગણી વધી ગઇ છે.