યુકેમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી અગાઉ થયેલી સ્થાનિક ચૂંટણીઓ અને પેટાચૂંટણીના પરિણામોમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીનો દેખાવ ખૂબ નબળો રહેતા પક્ષના નેતૃત્વ સામે પ્રશ્નો ઊભા થયા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના 40 વર્ષના શાસનના ઈતિહાસના આ સૌથી નબળાં પરિણામોને કારણે ભારતીય મૂળના વડાપ્રધાન રિશી સુનકની ટીકા થઇ રહી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સ્થાનિક ચૂંટણીઓ સાથે યોજાયેલી પેટાચૂંટણીમાં વિરોધ પક્ષ- લેબર પાર્ટીએ સત્તાધારી પક્ષ પાસેથી બ્લેકપૂલ સાઉથની બેઠક છીનવી લેવાની સાથે સાથે જ સ્થાનિક ચૂંટણીઓમાં નોંધપાત્ર વિજય હાંસલ કરતાં પક્ષમાં રહેલાં વડાપ્રધાન સુનકના વિરોધીઓ પણ હવે તેમના નેતૃત્વની ટીકા કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામોનું ચિત્ર રવિવાર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

લેબર પાર્ટીના નેતા સર સ્ટાર્મરે દેશની સામાન્ય ચૂંટણીઓ અગાઉના આ પરિણામોને અભૂતપૂર્વ ગણાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, બ્લેકપૂલનું પરિણામ સમગ્ર દેશના અવાજનું પ્રતિબિંબ છે. આ એક એવી લડાઈ હતી, જેમાં મતદારો પાસે રિશી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને સીધો સંદેશ આપવાની તક હતી, અને મતદારોએ નેતૃત્વ પરિવર્તન માટે જંગી મતદાન કરીને પોતાનો સંદેશ પહોંચાડ્યો છે. બ્લેકપૂલ સાઉથના લેબર પાર્ટીના ઉમેદવાર ક્રિસ વેબે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર ડેવિડ જોન્સને જંગી સરસાઇથી હરાવ્યાં હતાં. 2019માં આ બેઠક બોરિસ જોન્સનના વડાપ્રધાનપદ હેઠળ ટોરીઝે લેબર પાર્ટી પાસેથી જીતી લીધી હતી. વર્તમાન પેટાચૂંટણીમાં ટોરીઝના 26 ટકા મતો લેબર પાર્ટીને ફાળે ગયાં હતાં. મતદારોના વલણમાં 1945 પછી જોવાયેલું આ ત્રીજું સૌથી મોટું પરિવર્તન છે. ચૂંટણીમાં ટોરીઝ સંખ્યાબંધ બેઠકો ગુમાવે તેવો ભય છે.

LEAVE A REPLY