સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ કન્ઝર્વેટિવ પાર્ટીના પીઅર લોર્ડ ઝેક ગોલ્ડસ્મિથની ‘’વડા પ્રધાન પાર્ટીને રીપેર ન થઇ શકે તેવું નુકસાન પહોંચાડ્યા પછી કેલિફોર્નિયા જતા રહેવાનું આયોજન કરી રહ્યા છે’’ તેવી ટિપ્પણીના જવાબમાં વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે યુકે મારું ઘર છે અને 4 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી પછી તેમનો પરિવાર યુએસ જવાનો નથી.
ઇંગ્લેન્ડના અમેરશામમાં પ્રચાર કરતા સુનકે મતદારોને જણાવ્યું હતું કે ‘’મારી બે શાળાએ જતી દીકરીઓ ક્રિષ્ના અને અનુષ્કાને યુકેમાં તેમની શાળાઓમાંથી દૂર કરીને સ્થળાંતર કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. હું આશ્ચર્યચકિત છું કે લોર્ડ ગોલ્ડસ્મિથ, જેમની સાથે મેં લાંબા સમયથી વાત કરી નથી તેમને મારા કુટુંબની ગોઠવણ વિશે કોઈ પ્રકારની ઘનિષ્ઠ જાણકારી હોય. આ મારું ઘર છે. મારો જન્મ અને ઉછેર સાઉધમ્પ્ટનમાં સમુદાયની સેવા કરવાની ખૂબ જ મજબૂત નીતિ સાથે થયો હતો, તે જ હું માનું છું, તે જ મેં હંમેશા કર્યું છે.”
ટિપ્પણી કરવનાર ગોલ્ડસ્મિથ, જેમિમા ઇમરાન ખાનના ભાઈ છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સનના કટ્ટર સમર્થક છે.
વિપક્ષી લેબર પાર્ટી નિશ્ચિત લીડ તરફ ઈશારો કરતા ચૂંટણી પૂર્વોના સર્વેક્ષણો વચ્ચે પોતાની બેઠકો ગુમાવવાના ભયથી કેટલાક સાંસદો દ્વારા કરાતી સામૂહિક હિજરતને પગલે ટોરી પાર્ટીની રેન્કમાં અસંતોષ વધી રહ્યો હોવાનું જણાય છે.