હોટેલ ક્વોરેન્ટાઇન થવું ન પડે તે આશયે શુક્રવારે સવારે 4 વાગ્યા પહેલા યુકે આવી જવા માટે ભારતમાં યુકેની ટિકીટ મેળવવા પડાપડી થઇ રહી છે અને લોકો વાયા ફ્લાઇટ લઇને આવવા માટે 700થી 1000 પાઉન્ડ વધારે આપવા તૈયાર થઇ રહ્યા છે. પરંતુ એક ટિકીટ મળવી પણ મુશ્કેલ છે. એક મહિલાએ શુક્રવાર પહેલા ભારતથી યુકે આવવા એક ટિકીટના £2700 આપ્યા હોવાના અહેવાલ છે.
સાઉથોલ ટ્રાવેલ્સના ચિફ કોમર્શીયલ ઓફિસર જયમીન બોરખત્રીયાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’હાલમાં ભારતથી યુકે આવવા માટે કોઇ જ સીટ ઉપલબ્ધ નથી. છેક ડીસેમ્બર – જાન્યુઆરીના લોકડાઉન વખતથી ભારત સરકારે યુકેથી આવતી ફ્લાઇટ્સના શેડ્યુલ 40થી 45 ટકા ઓછા કરી દીધા હતા. જેને કારણે હાલમાં કોઇ સીટ મળતી નથી. ભારતથી યુકે આવવા માટેની ટિકીટની સ્ટ્રોંગ ડીમાન્ડ છે. હાલત એવી છે કે ભારતમાં પણ યુકે આવવા માટે તાત્કાલિક કોવિડ ટેસ્ટ કરાવવાની વ્યવસ્થાના અભાવ તેમજ સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતીને કારણે તકલીફ થઇ રહી છે. બ્રિટીશ નાગરિકોને ભારતથી યુકે લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટનો વિકલ્પ પણ હવે રહ્યો નથી.’’
આગામી ત્રણ દિવસમાં યુકે આવતા વિમાનોમાં બેઠકોની અછતને કારણે ભારતથી યુકેની સ્ટાન્ડર્ડ £400ની ઇકોનોમી ટિકિટના ભાવ £2,000 સુધી પહોંચી ગયા છે. મોટાભાગના બ્રિટનના લોકો પરિવારના અંતિમ સંસ્કાર, લગ્ન કે બિઝનેસના કામ માટે ભારત ગયેલા છે. આ જાહેરાતના પગલે પરત થયેલા લોકોની માત્રા વધી જતી હિથ્રો એરપોર્ટના બોર્ડર કંટ્રોલ પર બે કલાકની લાંબા લાઇનો લાગી હતા. આજે મંગળવારે ભારતથી પાંચ ફ્લાઇટ્સ આવી રહી છે.