• સરવર આલમ દ્વારા

ગયા મહિને બે અઠવાડિયા માટે દિલ્હી ગયેલા યુકે સરકારના વરિષ્ઠ અધિકારીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે 14મા રાઉન્ડની વેપાર વાટાઘાટોને કોઈ નિર્ણય લીધા વગર આ વર્ષના અંત સુધી રોકી દીધી છે. સંશોધકો યુકે અને ભારત વચ્ચેના મુક્ત વેપાર કરારની પૂર્ણ થવાની સંભાવનાને “લાંબા સમયની આશાવાદી સાવધાની” તરીકે વર્ણવી કહે છે કે આ કરારની સફળતામાં બન્ને દેશોની રાષ્ટ્રીય ચૂંટણીઓ અને ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ મુખ્ય ભાગ ભજવશે.

ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડના પ્રવક્તાએ કહ્યું: “યુકે અને ભારત મહત્વાકાંક્ષી વેપાર સોદા તરફ કામ કરવાનું ચાલુ છે. અમે વાટાઘાટોની વિગતો પર ટિપ્પણી કરતા નથી, અમે સ્પષ્ટ છીએ કે અમે ફક્ત એવા સોદા પર જ હસ્તાક્ષર કરીશું જે ન્યાયી, સંતુલિત અને આખરે બ્રિટિશ લોકો અને અર્થતંત્રના શ્રેષ્ઠ હિતમાં હશે.’’

બોરિસ જોન્સન વડા પ્રધાન હતા ત્યારે દિવાળી સુધીમાં કરાર પૂરો કરવાની સંભાવનાઓ સાથે યુકે અને ભારતે જાન્યુઆરી 2022માં વેપાર વાટાઘાટો શરૂ કરી હતી FTAનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર બમણો કરીને £86 બિલિયન કરવાનો છે. યુકેના અર્થતંત્રનો 80 ટકા હિસ્સો ધરાવતું બ્રિટિશ સર્વિસ સેક્ટર ભારતીય બજાર સુધી પહોંચવા માંગે છે.

કિંગ્સ કૉલેજ લંડનમાં ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટના એક્ટીંગ ડાયરેક્ટર ડૉ. સુનિલ મિત્રા કુમારને અપેક્ષા છે કે યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને હજુ બે-ત્રણ વર્ષનો સમય લાગશે.

કુમાર અને કિંગ્સ કૉલેજના સાથીદારો, ડૉ. અનીત મુખર્જી અને પ્રોફેસર લુઈસ ટિલિને થિંક-ટેન્ક, ‘યુકે ઈન એ ચેન્જિંગ યુરોપ’ (યુકેઆઈસીઈ) સાથે મળીને આ અઠવાડિયે યુકે-ભારત સંબંધોની સ્થિતિનું મૂલ્યાંકન કરતો અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે જણાવે છે કે બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે અને ઊંડા ઐતિહાસિક સંબંધો છે જે આઝાદી પછીના કોઈપણ બિંદુ કરતાં કદાચ વધુ મહત્વપૂર્ણ અને વધુ જટિલ છે.

અહેવાલમાં જણાવાયું છે કે FTAના નિષ્કર્ષમાં ઘણા બધા પરિબળો અવરોધરૂપ સાબિત થઈ રહ્યા છે, જેમાં ઉચ્ચ કુશળ પ્રોફેશનલ્સ માટે ટૂંકા ગાળાની ગતિશીલતા, રોકાણ સુરક્ષા, બ્રિટિશ કાયદાકીય અને નાણાકીય કંપનીઓ માટે બજારનો ઍક્સેસ, સ્કોચ વ્હિસ્કી અને કાર પર ભારતીય ટેરિફ અને ફાયટોસેનિટરી જરૂરિયાતોના સંદર્ભમાં કેટલીક ભારતીય નિકાસ પર બિન-ટેરિફ અવરોધો. ઉદાહરણ તરીકે, ભારતીય ડેરી ઉત્પાદનોને યુકેમાં મંજૂરી નથી.

ડૉ. અનીત મુખર્જીએ કહ્યું હતું કે “આ સમયે એક સારી જીઓપોલિટીક્સ સ્પિન છે જે ભારત અને યુકેને સારી સ્થિતિમાં મૂકે છે. આ એક જનરેશન બઝ છે. અગાઉ, યુકે અને ભારતના સંબંધો મોટે ભાગે બંધ હતા કારણ કે દરેક દેશને પાકિસ્તાન વિશે, અફઘાનિસ્તાન વિશે, ચીન પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશેની પોતાની ચિંતા હતી, પરંતુ મને લાગે છે કે હવે આપણે જ્યાં છીએ તે આપણને અનન્ય રીતે આશાસ્પદ સ્થિતિમાં મૂકે છે. હું કહીશ કે આપણે ભાગીદારીના વચનને પૂર્ણ કરવા માટે હજુ સુધી શ્રેષ્ઠ સ્થિતિમાં છીએ.”

ભારતને તાજેતરના સમયમાં વેપાર અને રોકાણના સોદાનો મુશ્કેલ અનુભવ થયો છે. નવેમ્બર 2019માં છેલ્લી ઘડીએ ભારત રીજનલ કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ (RCEP)માંથી બહાર નીકળી ગયું હતું. સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય આર્બીટ્રેશન દાવાઓને કારણે 2016માં નવી દિલ્હીએ યુકે અને 21 EU સભ્ય દેશો સહિત 77 દ્વિપક્ષીય રોકાણ સંધિઓ (BITs) પણ સમાપ્ત કરી દીધી હતી. જો કે, છેલ્લા ત્રણ વર્ષમાં સુધારેલ નિકાસ પ્રદર્શન સાથે, ભારતે તેના વલણનું પુન: મૂલ્યાંકન કરી મોરેશિયસ, UAE અને ઓસ્ટ્રેલિયા સાથે વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા છે. તો ગયા મહિને, 15 વર્ષથી વધુ સમયની વાટાઘાટો પછી, તેમણે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે નોર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટેઇનના બનેલા બ્લોક સાથે વ્યાપક વેપાર સોદા પર પણ હસ્તાક્ષર કર્યા છે.

UKICE ના ડાયરેક્ટર પ્રોફેસર આનંદ મેનને જણાવ્યું હતું કે, “ભારત વેપાર સોદાઓ તરફ સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યું છે. ભારત-યુકે FTA યુકેની બ્રેક્ઝિટ પછીની મહત્વાકાંક્ષાઓ અને ભારતની વર્તમાન વ્યૂહરચના અને આર્થિક પસંદગીઓ બંને સાથે સારી રીતે બંધબેસે છે. પણ ઇમિગ્રન્ટ વિરોધી ભાવનાને લીધે કન્ઝર્વેટિવ પાર્ટીના શાસનમાં દ્વિપક્ષીય FTA ને ગતિશીલતા પરના સોદા સાથે જોડવાનું સરળ ન હોઈ શકે.”

તો પ્રોફેસર લુઈસ ટિલિન માને છે કે યુકેમાં ભારતીય ડાયસ્પોરા અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનક દ્વારા પણ ઉપયોગમાં લેવાતો શબ્દ “લિવિંગ બ્રિજ” FTA માટેની બંને બાજુની ઇચ્છાનું મુખ્ય કારણ છે. ભારતમાંથી યુકેમાં આંતરિક સ્થળાંતરના પ્રવાહમાં ખૂબ જ ઝડપી વધારો થયો છે. બ્રેક્ઝિટ પછીના ફેરફારો બાદ છેલ્લા વર્ષમાં 350,000થી વધુ વિઝા આપવામાં આવ્યા છે. યુકેમાં પે રોલ પર ભારતીયોની સંખ્યા માત્ર બે વર્ષમાં 870,000 એટલે કે બમણાથી વધુ થઈ છે. યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોટો વધારો થયો છે અને તેઓ અભ્યાસ પછીના વર્ક વિઝાથી આકર્ષાયા છે.”

2021ની વસ્તી ગણતરીમાં, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 1,864,318 લોકો ભારતીય વંશના છે જે યુકેની વસ્તીના 3.1 ટકા છે. 2018માં માત્ર યુકેના ડાયસ્પોરા સમુદાય પાસેથી ભારતને £3 બિલિયન મળ્યા હતા.

કુમારે કહ્યું, “યુકેમાં ભારતીય સમુદાય અમુક રીતે સંબંધોનો મુખ્ય ભાગ છે. યુકેમાં બિઝનેસ સ્થાપવાની અથવા ભારતીય કંપનીનું વિસ્તરણ કરવાની સધ્ધરતા અથવા યુકેમાં કંઈક નવું સ્થાપવા ઈચ્છતા ભારતીય ઉદ્યોગસાહસિકને યુકેમાં જે સુવિધા આપવામાં આવશે તેનો બધો આધાર યુકે પર, ડાયસ્પોરાના અસ્તિત્વ પર છે – તે જ નિર્ણાયક છે.

ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને કહ્યું છે કે તેઓ ચિંતિત છે કે આ સોદો “ભારત સાથે ખુલ્લી સરહદો સ્થળાંતર નીતિ” તરફ દોરી જશે.

સ્ટુડન્ટ વિઝાના કડક નિયમોને કારણે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પહેલેથી જ ઘટાડો જોવા મળ્યો છે. UCAS અનુસાર, ભારતમાંથી આ વર્ષે અંડરગ્રેજ્યુએટ ડિગ્રી શરૂ કરવા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ટકા ઘટીને 8,770 થઈ ગઈ છે. સરકારે જાન્યુઆરીમાં નવા નિયમો રજૂ કરી પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ કરનારા સિવાયના તમામ વિદેશી વિદ્યાર્થીઓને પરિવારના સભ્યોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઈન્ડસ્ટ્રી દ્વારા એક સર્વે કરી ભારતમાં તેમના સભ્યોને યુકેમાં રોકાણ કરવાના તેમના અનુભવો વિશે પૂછાયું છે.

LEAVE A REPLY