યુકે “હ્યુમન ચેલેન્જ” અભ્યાસ કરવા માટેનું પ્રથમ રાષ્ટ્ર બનવા તરફ આગળ ધપી રહ્યું છે અને 90 જેટલા તંદુરસ્ત લોકોને ઇરાદાપૂર્વક કોવિડના સંપર્કમાં લાવવામાં આવશે. જાન્યુઆરીમાં શરૂ થઈ શકે તેવા આ અભ્યાસનો હેતુ કોવિડ-19 રસી મેળવવા માટેની દોડને વેગ આપવાનો છે.
બ્રિટને મંગળવારે કહ્યું હતું કે તેઓ રસી મળ્યા બાદ સ્વયંસેવકો પર વાયરસની અજમાયેશ કરવા અને કોવિડ-19 રસીના વિકાસને વેગ આપવા માટેના હ્યુમન ચેલેન્જ સ્ટડીઝને સમર્થન આપશે. સરકારે કહ્યું હતું કે તે ઈમ્પિરિયલ કોલેજ લંડન, લેબોરેટરી અને ટ્રાયલ સર્વિસિસ કંપની એચવીઆઇવીઓ અને રોયલ ફ્રી લંડન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટની ભાગીદારીમાં આ અધ્યયનમાં £33.6 મિલિયનનું રોકાણ કરશે.
જો રેગ્યુલેટર અને એથિક્સ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે તો, અભ્યાસ જાન્યુઆરીમાં શરૂ થશે, જેના પરિણામો મે 2021 સુધીમાં આવે તેવી શક્યતા છે. આ માટે સલામતી એક નંબરનું પ્રાધાન્ય રહેશે. હ્યુમન ચેલેન્જ અભ્યાસ રસીને ચકાસવા માટેની ઝડપી રીત આપે છે અને લોકો કુદરતી રીતે બીમાર થાય તેની રાહ જોવી પડતી નથી.
18 થી 30 વર્ષની વયના સ્વયંસેવકોમાં કોવિડ ચેપ લાગવાની વાયરસની સૌથી ઓછી માત્રા કેટલી છે તે શોધવા માટે સંશોધનકર્તાઓ પહેલા રોગચાળાના વાયરસના નિયંત્રિત ડોઝનો ઉપયોગ કરશે. તેમને નાક દ્વારા વાયરસનો ચેપ આપ્યા પછી ચોવીસ કલાક નિરીક્ષણ કરાશે. તે પછી કોવિડ રસી ચેપ અટકાવે છે કે કેમ તેની વૈજ્ઞાનિકો ચકાસણી કરશે.
હાલમાં વિશ્વભરમાં સેંકડો કોવિડ રસીઓ વિકસિત કરવામાં આવી રહી છે અને ઘણા બધા ફ્રન્ટ-રનર્સ પહેલેથી જ પરીક્ષણના અંતિમ તબક્કામાં છે, જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. તેમાંના કેટલાક પરિણામો મેળવી શકે છે અને નવી અજમાયશ શરૂ થાય તે પહેલાં તેનો ઉપયોગ શરૂ થઈ શકે છે. પરંતુ સંશોધનકારો કહે છે કે કઈ રસીઓ શ્રેષ્ઠ કામ કરે છે તેની તુલના કરવી જરીરી છે. નિષ્ણાતો કહે છે કે અમને કોવિડને હરાવવા માટે કેટલીક અલગ અલગ રસીઓ, તેમજ અસરકારક સારવારની જરૂર પડશે. વૃદ્ધો અને સંવેદનશીલ લોકોને કોવિડથી સૌથી વધુ જોખમ હોવાથી તેમની તપાસ કરવાની જરૂર પડશે.
બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ જણાવ્યું હતું કે, “અમે કોરોનાવાયરસ સામે લડવા માટે જે કંઇ કરી શકીએ છીએ તે કરી રહ્યા છીએ, જેમાં અમારા શ્રેષ્ઠ અને તેજસ્વી વૈજ્ઞાનિકો અને સંશોધનકારો સલામત અને અસરકારક રસીની શોધમાં શામેલ છે.”