સીટી સેન્ટર્સ અને ખાસ કરીને લંડનમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થતાં યુકેની હાઇ સ્ટ્રીટમાં ખાલી દુકાનની સંખ્યા છ વર્ષમાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. ગ્રેટર લંડન વિસ્તારમાં બંધ આઉટલેટ્સની સંખ્યામાં લગભગ 66 ટકાનો વધારો થયો છે જેનાથી સૌથી મોટો ફટકો પડ્યો છે. 2019ના સમાન મહિનાની તુલનામાં ઓગસ્ટમાં સિટી સેન્ટર્સ સહિત હાઇ સ્ટ્રીટ પર આશરે 40% ઓછા મુલાકાતીઓ જોવા મળ્યા હતા.
રિટેલ એનાલિસિસ ફર્મ સ્પ્રિંગબોર્ડના જણાવ્યા અનુસાર, યુકેના 10 માંથી 6 વિસ્તારોમાં ખાલી દુકાનોની સંખ્યા જાન્યુઆરીમાં 9.8% હતી અને જુલાઈમાં લગભગ 11% દુકાનો ખાલી રહી હતી. દરિયા કિનારે આવેલા નગરોમાં મુલાકાતીઓની સંખ્યામાં 24%નો અને માર્કેટ ટાઉનમાં ફૂટફોલમાં આશરે 27% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.
પરંતુ છૂટક વેચાણ કરનારા, કાફે અને રેસ્ટોરન્ટ્સ માલીકો વધુ લોકો ઘરેથી કામ કરતા હોવાથી સંઘર્ષ કરી રહ્યા છે. માર્ક્સ અને સ્પેન્સર, ડેબેનહામ્સ, જ્હોન લુઇસ, પ્રેટ અને પિઝા એક્સપ્રેસ સહિતની મુખ્ય ચેઇને તમામ આઉટલેટ્સ બંધ કર્યા છે અને હજારો કર્મચારીઓને છૂટા કર્યા છે. કન્ફેડરેશન ઑફ બ્રિટીશ ઇન્ડસ્ટ્રીના વડાએ ચેતવણી આપી છે કે જો વડા પ્રધાન કામદારોને ઑફિસમાં પાછા આવવા પ્રોત્સાહન આપવા વધુ પ્રયત્નો નહીં કરે તો સીટી સેન્ટર્સ “ભૂતિયા નગરો” બની શકે છે.