યુકેની હાઇકોર્ટે બુધવારે પંજાબ નેશનલ બેંક (PNB) છેતરપિંડી કેસમાં ભારતમાં પ્રત્યાર્પણ કરવા સામેની ભાગેડુ હીરાના વેપારી નીરજ મોદીની અપીલને ફગાવી દીધી હતી. તેનાથી નીરવ મોદીને ભારતમાં મોકલવાનો માર્ગ મોકળો થયા છે. અપીલની સુનાવણીની અધ્યક્ષતા કરનાર લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જેએ ચુકાદો આપ્યો હતો.
લંડનની હાઈકોર્ટમાં લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જેએ કહ્યું હતું કે નીરવ મોદીના પ્રત્યાર્પણનો ફેબ્રુઆરી 2021નો નિર્ણય યોગ્ય હતો. હાઈકોર્ટના નિર્ણય સામે યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા નીરવ મોદી પાસે 14 દિવસનો સમય છે.
ભારતીય બેન્કોને કરોડો રૂપિયાનો ચુનો લગાવીને લંડન ભાગી આવેલી નીરવ મોદીને આ ચુકાદાથી ફટકો લાગ્યો છે. 51 વર્ષીય નીરવ મોદી સાઉથ-ઈસ્ટ લંડનમાં વેન્ડ્સવર્થની જેલમાં પુરાયેલ છે.
નીરવ મોદી સામે મની લોન્ડરિંગ અને પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે બે અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ છે. લંડનની કોર્ટમાં નીરવ મોદીએ દલીલ કરી હતી કે તેનું ભારતમાં પ્રત્યાર્પણ થશે તો તે અન્યાય તથા અત્યાચાર હશે.
મોદીએ પોતાની માનસિક સ્થિતિનું કારણ આપીને ભારતને સોંપણી ન કરવા માંગ કરી હતી.ભારતમાં નીરવ મોદી સામે CBIએ કેસ કર્યો છે જે પ્રમાણે તેમણે બનાવટી દસ્તાવેજોના આધારે લોન એગ્રીમેન્ટ કર્યા હતા અને બેન્ક સાથે છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત નીરવ મોદીએ કેટલાક પૂરાવા ગુમ કરી દીધા છે અને સાક્ષીઓને મારી નાખવાની ધમકી આપી છે તેવો આરોપ પણ મુકવામાં આવ્યો છે. લંડનની કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નીરવ મોદીનું પ્રત્યાર્પણ કરવામાં આવે તો તે અન્યાયી કે અત્યાચારી નહીં ગણાય. મોદી ઘણા સમયથી યુકેમાં છે, અને ભારત જવું ન પડે તે માટે તેમણે જુદી જુદી દલીલો કરી છે. તેમણે પોતાની નબળી માનસિક સ્થિતનું કારણ આપીને કોર્ટ કેસથી બચવા માટે પ્રયાસ કર્યો છે.
ભારત અને યુકે વચ્ચે 1992માં પ્રત્યાર્પણ અંગે સંધિ કરવામાં આવી હતી જેથી આ કરારના આધારે યુકે નીરવ મોદીની ભારતને સોંપણી કરે તેવી શક્યતા છે. ડિસેમ્બર 2019માં PMLA કોર્ટે હીરાના વેપારી નીરવ મોદીને આર્થિક ગુના 2018 હેઠળ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. પીએનબી સાથે છેતરપિંડી પછી તે તે લંડન ભાગી ગયો હતો. ત્રણ વર્ષ પહેલા 13 માર્ચ 2019ના રોજ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે લંડનથી નીરવ મોદીની ધરપકડ કરી હતી, ત્યારથી તેને સાઉથ વેસ્ટ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં કેદ રાખવામાં આવ્યો છે.