ત્રાસવાદી સંગઠન- આઇએસઆઇસ (ઇસ્લામિક સ્ટેટ)માં ભરતી થયેલી યુવતી શમિમા બેગમને બ્રિટન પરત આવવાની મંજૂરીના કેસમાં બ્રિટન સરકારને અપીલ કરવાની મંજૂરી મળી છે. બંગલાદેશી બ્રિટિશ કિશોરી, લંડનમાં જન્મેલી શમિમા બેગમ (20) સહિત ત્રણ કિશોરીઓ – વિદ્યાર્થીનીઓ 2015માં આઇએસઆઇએસમાં ભરતી થવા લંડનથી ભાગીને સીરિયા ગઇ હતી. બ્રિટનની અપીલ કોર્ટે જણાવ્યું હતું કે, દેશમાં પરત આવતા પહેલા આ કેસ હાઇકોર્ટમાં જવો જોઇએ, કારણ કે આ કેસમાં જે મહત્ત્વના કાયદાનો એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તેનું સમાધાન માત્ર હાઇકોર્ટ જ કરી શકે છે.
બ્રિટનની અપીલ કોર્ટમાં ત્રણ ન્યાયમૂર્તિઓની બેંચના મુખ્ય ન્યાયમૂર્તિ કિંગે અપીલની મંજૂરી આપી છે. આ બેન્ચમાં ભારતીય બ્રિટિશ ન્યાયમૂર્તિ રવિન્દર સિંહ પણ હતા. જુલાઇની શરૂઆતમાં બેગમને બ્રિટન આવવાની મંજૂરી મળી ગઇ હતી. સાથે જ તે બ્રિટન સરકાર સામે પોતાની ન્યાયિક લડાઇ યથાવત રાખી શકે છે, કારણ કે સુરક્ષાના કારણોસર તેનું બ્રિટિશ નાગરિકત્વ રદ્દ કરાયું હતું. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પણ દેશ માટે જોખમી શમિમા બેગમને બ્રિટનમાં પ્રવેશની મંજૂરી આપવા ઇન્કાર કર્યો હતો. બ્રિટનના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ આદેશ કર્યો હતો કે, બેગમને બ્રિટનમાં બીજીવાર પ્રવેશ કરવા માટે અને પોતાનો કેસ લડવા માટે મંજૂરી આપવામાં આવે.
શમિમા વેસ્ટ લંડનથી છુપાઇને સીરિયા પહોંચી ત્યારે તેની ઉંમર 15 વર્ષની હતી. ત્યાં તે કુર્દ દળો દ્વારા સંચાલિત શિબિરમાં રહેતી હતી. બ્રિટનની અપીલ કોર્ટે જણાવ્યું હતું કે, તે શિબિરમાંથી પોતાનો કેસ ન લડી શકતી હોવાના કારણે તેને નિષ્પક્ષ સુનાવણીથી વંચિત રાખવામાં આવી હતી. તે ફેબ્રુઆરી 2015માં બ્રિટન આવી અને ત્રણથી વધુ વર્ષ સુધી ઇસ્લામિક સ્ટેટ સાથે રહી. તે કથિત આઇએસઆઇએસ દુલ્હન તરીકે પણ જાણીતી થઇ હતી તેવું કહેવાય છે. કારણ કે, તેણે સીરિયા જઇને ત્રાસવાદી યાગો રિદિજક સાથે લગ્ન કર્યા હતા.