યુકેના નવા કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેકની વિધિ વેસ્ટમિંસ્ટર એબી ખાતે શનિવાર સવારથી શરૂ થઇ હતી. આ માટે સમગ્ર યુકેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુકેને 70 વર્ષ પછી નવા રાજા મળી રહ્યા છે. નવા રાજાના રાજ્યાભિષેક માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. રાજ્યાભિષેક સમારંભમાં ભાગ લેવા માટે વિશ્વના ખૂણે ખૂણેથી ઉચ્ચકક્ષાના મહેમાનો લંડન પહોંચ્યા છે. રાજ્યાભિષેક માટે અંદાજે રૂ. એક હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કિંગ ચાર્લ્સ III ના રાજવી પોષાકથી લઈને સોનાની બગી સુધી અને રાજ્યાભિષેક સિંહાસનથી લઈને તેમના તાજ સુધીની દરેક બાબતની એક રસપ્રદ કહાની છે.
લોકો યુકેના નવા કિંગના રાજ્યાભિષેક સમારોહનું જીવંત પ્રસારણ ટીવી, મોબાઈલ અને કમ્પ્યુટર પર જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમારોહમાં ભાગ લેવા માટે વિશ્વના 14 દેશોના સમ્રાટોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત તરફથી આ સમારંભમાં વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા છે.
આ રાજવી સમારોહ સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે શરૂ થયો છે, અને તે યુકેની 900 વર્ષ જૂની પરંપરા મુજબ યોજાશે. કિંગ ચાર્લ્સ III બ્રિટનના ઇતિહાસમાં 40મા રાજા બન્યા છે. કિંગ ચાર્લ્સ III 86 વર્ષ પછી સિંહાસન પર બેસવા જઈ રહ્યા છે, જેના પર તેમના દાદા જ્યોર્જ છઠ્ઠા રાજ્યાભિષેક વખતે બિરાજમાન થયા હતા. બ્રિટન ભારત પછી અત્યારે વિશ્વની છઠ્ઠી સૌથી મોટું અર્થતંત્ર છે અને વડાપ્રધાન પણ ભારતીય મૂળના ઋષિ સુનક છે.
2 જૂન 1953ના રોજ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાણી એલિઝાબેથ II ના રાજ્યાભિષેક થયો હતો. તે સમયે કિંગ ચાર્લ્સની ઉંમર માત્ર ચાર વર્ષની હતી. એલિઝાબેથ II ના રાજ્યાભિષેકમાં હાજરી આપવા માટે 8000 મહેમાનો આવ્યા હતા. સમારોહના આયોજનમાં તે વખતે 16 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સમારોહમાં 70 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તે સમયે યુકે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. ભારતના તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂ પણ ઉપસ્થિત રહ્યાં હતા.