Yui Mok/Pool via REUTERS/File Photo

વડા પ્રધાન ઋષિ સુનકે મે મહિનામાં ચૂંટણી યોજવાની શક્યતાને નકારી કાઢતા સંકેત આપ્યો હતો કે યુકેની સામાન્ય ચૂંટણીઓ 2024ના બીજા ભાગમાં યોજાશે. દેશમાં જાન્યુઆરી 2025 પહેલા ચૂંટણી કરવી આવશ્યક છે. વ્યાપકપણે અનુમાન કરાય છે કે સુનકે ઓક્ટોબર 2022માં સત્તા સંભાળી હતી અને તેથી તેઓ પોતાની સત્તા સંભાળ્યાના બે વર્ષ પૂરા થાય તે સમયગાળામાં ચૂંટણી યોજવાનું વલણ ધરાવે છે.

સુનકે નવા વર્ષની તેમની પ્રથમ ટૂર દરમિયાન ઈસ્ટ મિડલેન્ડના મેન્સફિલ્ડમાં ગુરૂવારે તા. 4ના રોજ કહ્યું હતું કે “મારી ધારણા એ છે કે આ વર્ષના બીજા ભાગમાં સામાન્ય ચૂંટણી થશે અને તે દરમિયાન, ઘણું બધું કરવા માંગુ છું. અમે અર્થવ્યવસ્થાનું સંચાલન કરવા અને લોકોના કરમાં કાપ મૂકવા માંગીએ છીએ. હું ગેરકાયદેસર ઇમીગ્રેશનનો સામનો કરવાનું ચાલુ રાખવા માંગુ છું. મારી પાસે આગળ વધવા માટે ઘણું બધું છે અને હું દેશના લોકોને તે આપવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું.”

તેમણે સ્વીકાર્યું હતું કે ગત વર્ષ “મુશ્કેલ” હતું કારણ કે યુકેએ કોવિડની અસર, યુક્રેન યુદ્ધ અને ગાઝાના સંઘર્ષનો સામનો કર્યો હતો. પરંતુ આગામી વર્ષ “વધુ સારું વર્ષ” રહેશે તેવું વચન આપ્યું હતું. 2022માં ફિક્સ્ડ-ટર્મ પાર્લામેન્ટ્સ એક્ટને રદ કરવાથી ચૂંટણીની તારીખો નક્કી કરવાની બ્રિટિશ વડા પ્રધાનોની ક્ષમતા પુનઃસ્થાપિત થઈ હતી. જો કે, કાયદા દ્વારા સામાન્ય ચૂંટણી ઓછામાં ઓછા દર પાંચ વર્ષે થવી જોઈએ, જે માટે જાન્યુઆરી 2025ની સમયમર્યાદા છે.

દરમિયાન, બ્રિસ્ટોલમાં વિપક્ષી નેતા સર કૈર સ્ટાર્મરે બીબીસીને કહ્યું હતું કે “અમે સામાન્ય ચૂંટણી માટે તૈયાર છીએ. મને લાગે છે કે દેશ સામાન્ય ચૂંટણી માટે તૈયાર છે. વડાપ્રધાન શા માટે નક્કી કરી શકતા નથી કે કઈ તારીખે ચૂંટણી થશે? દેશ પરિવર્તન ઈચ્છે છે ત્યારે તેઓ વિલંબ કરે છે.’’

LEAVE A REPLY