કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને પગલે ભારત સરકારે બ્રિટન માટેની ફ્લાઇટ પરના પ્રતિબંધને બુધવારે સાત જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો. બ્રિટનથી ભારત આવેલા 20 મુસાફરોમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનથી સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ સરકારે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.
ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંઘ પૂરીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે બ્રિટન માટેની ફ્લાઇટ પરના હંગામી પ્રતિબંધને સાત જાન્યુઆરી 2021 સુધી લંબાવવામાં આવ્યો છે. આ પછી ચાંપતી દેખરેખ હેઠળ બ્રિટન માટેની ફ્લાઇટ ફરી ચાલુ થશે, જેની વિગત ટૂંકસમયમાં જાહેર કરવામાં આવશે.
ભારતે અગાઉ 31 ડિસેમ્બર સુધી યુકે ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બ્રિટનથી ભારત આવેલા 20 લોકો નવા વાઇરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. નવા વાઇરસથી સંક્રમિત લોકોને રાજ્ય સરકારોના ખાસ હેલ્થ કેર સેન્ટરમાં સિંગલ રૂમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે સહપ્રવાસીઓ, કુટુંબના સભ્યો અને સંપર્કમાં આવેલા બીજા લોકોનું સર્વગ્રાહી ટ્રેસિંગ કરવામાં આવે છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)