યુકેએ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં (UNSC)માં કાયમી બેઠકોની સંખ્યામાં વધારો કરવાની તથા તેમાં ભારત, બ્રાઝિલ, જર્મની, જાપાન અને આફ્રિકામાંથી કોઇ એક દેશને પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાત દર્શાવી છે. ભારત યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ માટે માગણી કરી રહ્યું છે ત્યારે યુનાઇટેડ નેશન્સમાં યુકેના કાયમી પ્રતિનિધિ અને જુલાઇ મહિના માટે સિક્યોરિટી કાઉન્સિલના પ્રેસિડન્ટ બાર્બરા વૂડવર્ડઝની આ ટીપ્પણીનું વિશેષ મહત્ત્વ છે. વૂડવર્ડઝે જુલાઇ મહિના માટે કાઉન્સિલના કાર્યક્રમો અંગેની માહિતી આપતાં આ ટીપ્પણી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા અંગે અમે ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન અને આફ્રિકન દેશનો સમાવેશ માટે કાઉન્સિલની કાયમી બેઠકોની સંખ્યામાં વધારો થાય તેવું ઇચ્છીએ છીએ. કાઉન્સિલ 2020ના દાયકામાં પ્રવેશી છે ત્યારે સુધારાનો આ સમય છે. ગત સપ્તાહે યુકેના વિદેશ પ્રધાન જેમ્સ ક્લેવર્લીએ પણ જણાવ્યું હતું યુએનમાં સુધારાને આગળ ધપાવવાની યુકેની ઇચ્છા છે. વૂડવર્ડઝે જણાવ્યું હતું કે જુલાઈ મહિના માટે કાઉન્સિલની યુકેની અધ્યક્ષતા આ દિશાનું પ્રથમ પગલું હશે.
UNSCમાં કાયમી સભ્યપદ માટેના આ દેશોને યુકેનાં સમર્થનનું કારણ આપતા તેમણે જણાવ્યું કે, “ભૌગોલિક સંતુલન માટે અમે આ દેશોનો સમર્થનમાં છીએ. ભારત અને બ્રાઝિલના સમાવેશથી કાઉન્સિલમાં વ્યાપક ભૌગોલિક પ્રતિનિધિત્વ 1945માં સિક્યુરિટી કાઉન્સિલની રચના કરવામાં આવી તે સમયે પ્રભાવ ન ધરાવતા દેશોનો પ્રભાવ આજે વધ્યો છે.” યુએનની મહાસભાના 78મા સેશનનો સપ્ટેમ્બરમાં પ્રારંભ થઈ રહ્યો છે.