યુકેમાં કોરોના વાઈરસના કારણે હોસ્પિટલમાં થતાં મૃત્યુનાં આંકમાં સતત ત્રણ દિવસના ઘટાડા પછી મંગળવારે (31 માર્ચ) કોરોના વાઈરસે પોતાનુ કાળ સ્વરૂપ બતાવ્યું હતું. મંગળવારે એક જ દિવસમાં 390 લોકોના મોત થતાં બ્રિટનના રહેવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. મંગળવારે બપોરે આ અહેવાલ લખાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 390 લોકોના મૃત્યુ થયા હતા અને કુલ મૃત્યુઆંક 1798 થયો છે. ચિંતાની વાત એ છે કે કોરોના વાઈરસના નવા પોઝિટિવ કેસોની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે. ઇંગ્લેન્ડમાં છેલ્લા 24 કલાકમાં 367, વેલ્સમાં 7, સ્કોટલેન્ડમાં 13 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે.
મૃત્યુ પામેલી સૌથી નાની વયની વ્યક્તિની વય માત્ર 19 વર્ષની છે અને તેને કોઇ લાંબાગાળાની બિમારી નહોતી તેમ બહાર આવ્યુ છે. ઇંગ્લેન્ડ કટોકટીના કેન્દ્રમાં છે અને ત્યાં 1,651 લોકો COVID-19ના કારણે મૃત્યુ પામ્યા છે.
વૈજ્ઞાનિકોના મતે બ્રિટનમાં નોંધાતા દરેક મૃત્યુ સામે ચેપગ્રસ્ત દર્દીઓની સાચી સંખ્યા બે મિલિયનથી વધુ હશે. અત્યાર સુધીમાં 22,141 લોકોના યુકેમાં ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે સ્કોટલેન્ડમાં નિદાન કરાયેલા કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યા 1,993, વેલ્સમાં 1,563 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 586 પર પહોંચી ગઈ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 9,000 જેટલી થઇ છે જે ગયા ગુરુવારે માત્ર 4,300 ની આસપાસ હતી.
યુકેમાં શનિવારે 260 અને રવિવારે 209 વ્યક્તિના મોત બાદ સોમવારે 180 લોકોના મોત નિપજ્યાં હતાં. પ્રિન્સ ચાર્લ્સને સોમવારે સેલ્ફ ઓઇસોલેશનમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી હતી અને તેઓની તબિયત સારી છે. કોરોના વાઈરસના કારણે કેર હોમ્સ અને ઘરમાં મોતને ભેટેલા લોકોનો સાચો આંક બહાર આવી રહ્યો છે ત્યારે મૃત્યુનો સાચો આંક ધાર્યા કરતા ઘણો મોટો હશે તેમ જાણીને સરકાર ચોંકી ઉઠી છે.
મૃત્યુનો સત્તાવાર આંક હાલમાં જણાય છે તેના કરતા 24% વધુ હોઈ શકે છે. તા. 20 માર્ચ સુધીમાં 40 લોકો ઘરે અને કેર હોમ્સમાં મરણ પામ્યા હતા તેમજ 170 લોકો હોસ્પિટલ્સમાં મરણ પામ્યા હતા. જે સાથે કુલ મરણ આંક તા. 20ના રોજ 210 હતો. જો તે જ રેશિયો સાચો મનાય તો કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક (સોમવારે) 1,408ને બદલે 1,739ની આસપાસ હોઈ શકે છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સ હવે દરેક સપ્તાહે હોસ્પિટલની બહાર મૃત્યુ પામેલા લોકોની સરખામણી અને ગણતરી કરી રહી છે. ગઈકાલ તા. 30 સુધીમાં એનએચએસ હોસ્પિટલોમાં વાયરસથી 1,408 લોકોનાં મોત નીપજ્યાં હતાં કોરોના વાઈરસ આવશ્યકપણે દરેક દર્દીના મૃત્યુ માટેનું કારણ નહોતું, પરંતુ માનવામાં આવે છે કે તે એક પરિબળ ચોક્કસ હતુ.યુકેમાં રોગચાળો શરૂ થયો ત્યારથી તમામ પુખ્ત વયના લોકો જ કોરોના વાઈરસથી મરી ગયા છે. કોઈ બાળકનું આ બિમારીથી મૃત્યુ થયુ નથી અને 85 વર્ષ કરતા વધુ વયના લોકો સૌથી વધુ ભોગ બન્યા છે.
