નવા કોરોનાવાયરસ વેરીએન્ટને પગલે ફરીથી યુકેમાં ખાનાખરાબી ન સર્જાય તે માટે વડાપ્રધાન બોરીસ જોન્સને સોમવાર તા. 18થી હવાઇ કે દરિયાઇ માર્ગે યુકે આવતા તમામ લોકો માટે કોરોનાવાયરસનો ટેસ્ટ નેગેટીવ હોવો જોઇએ અને આવનારા તમામ લોકો માટે 10 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજીયાત બનાવ્યું છે, જો કે અમુક કેસોમાં તેને પાંચ દિવસ સુધી રાખી શકાશે. લોકોએ યુકે આવતા પહેલાના 72 કલાકની અંદર લેવામાં આવેલ કોરોનાવાયરસ ટેસ્ટનું નેગેટીવ પરિણામ રજૂ કરવું પડશે. સરકારે હોલીડે ટ્રાવેલ પર પહેલેથી જ પ્રતિબંધ મૂકેલો છે. આ પ્રતિબંધો ઓછામાં ઓછા એક મહિના સુધી ચાલશે.
વૈજ્ઞાનિક સલાહકારોએ જણાવ્યું હતું કે ‘’કોરોનાવાયરસના નવા વેરીયન્ટ સતત ઉભરતા રહેતા હોવાથી આ પ્રતિબંધો લાદવા જરૂરી છે અને તેને કારણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને મુશ્કેલી થાય છે. વડાપ્રધાને કહ્યું હતું કે રસીકરણને કારણે થયેલી પ્રગતિ પછી “આપણે જે જોવા માંગતા નથી કે નવા વેરિએન્ટને કારણે હાની થાય.” લેબર પક્ષે દાવો કર્યો હતો કે આ જાણતા હતા તો સરકારે પહેલા કેમ વિદેશથી આવતા લોકોને રોકવા માટે કડક પ્રતિબંધોને લાદવામાં વિલંબ કરી લોકોના જીવને જોખમમાં મુક્યા.
નવા પ્રતિબંધોની સૌથી વધુ અસર બિઝનેસ માટે વિદેશ જતા લોકોને અને વિદેશથી પરત ફરનારા દેશના લોકોને પડશે. કોવિડ-19નો નીચો ચેપ ધરાવતા 50થી વધુ દેશો ટ્રાવેલ કોરિડોરની સૂચિમાં છે પરંતુ હાલમાં ફક્ત નવ દેશો જ બ્રિટનના પ્રવાસીઓને આવકારે છે. લોકો યુકે આવ્યાનાં પાંચ દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવી શકશે અને જો તે ટેસ્ટ નેગેટીવ આવશે તો તેમનો ક્વોરેન્ટાઇન પિરીયડ ઘટાડી શકશે. જો કે ભારતે જ્યારે આવા નિયમો અમલી બનાવ્યા હતા ત્યારે કેટલાક લોકોએ કડક નિયમો હોવા છતાં પોતાના ટેસ્ટ માટેની કીટને પાણીમાં બોળીને મોકલી આપતા તેમના ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા અને તે ટેસ્ટ રિઝલ્ટને આધારે તેઓ મુસાફરી કરવામાં સફળ બન્યા હતા. લોકો ખરેખર ક્વોરેન્ટાઇન થાય છે કે નહિં તે ચેક કરવા ચકાસણી કરવામાં આવશે.
એડિનબરા યુનિવર્સિટીના ચેપી રોગચાળાના અધ્યાપક, માર્ક વૂલહાઉસે જણાવ્યું હતું કે “વાયરસ નવા રૂપો ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે અને તેમાંથી કેટલાક વર્તમાન રસીનો ઉપયોગ કરવા છતાં વધુ ચેપ ફેલાવે છે કે ફેલાતા ઓછો અટકાવી શકાય છે. તેને કારણે સરકાર અ પ્રતિબંધો હળવા કરશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.”
વિશ્વમાં કોરોનાવાયરસનો મૃત્યુઆંક બે મિલિયનને વટાવી ગયો છે. બ્રિટનમાં સરેરાશ નવા કેસનો સંખ્યા 55,761 છે જે સાત દિવસ પહેલાની સરેરાશ કરતાં 13.7 ટકા ઘટી છે. પરંતુ સપ્તાહે સરેરાશ 1,280 લોકો મૃત્યુ પામ્યા હતા, જે અગાઉના સાત દિવસની એવરેજ કરતાં આ અઠવાડિયે 31.7 ટકા વધારે હતા.
એરપોર્ટ ઑપરેટર્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ, કરેન ડીએ જણાવ્યું હતું કે ‘’તાજેતરના નિર્ણયથી યુકેના વિમાની મથકો માટે વિનાશક સ્થિતિ બનશે. કેટલાક એરપોર્ટ અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે. સરકારો આ કટોકટીમાંથી એરપોર્ટોને કેવી રીતે ટેકો આપશે તે નક્કી કરવાની જરૂર છે.” જો આ પગલાં રજાઓની સિઝન સુધી લંબાવવામાં આવશે તો હોલીડે કંપનીઓ અને એરલાઇન્સને મોટો ફટકો પડશે. ટ્રાન્સપોર્ટ બોસીસે જણાવ્યું હતું કે એરપોર્ટને સહાય આપવી પડશે.
ઇઝીજેટ હોલીડેઝે તા. 24 માર્ચ સુધી અને દેશની બીજી સૌથી મોટી ટૂર ઑપરેટર જેટ2એ તા. 25 માર્ચ સુધી તમામ પ્રસ્થાનોને રદ કર્યા હતા. જોકે સમરમાં સારાવાનાં થશે તે આશાએ સમર હોલીડેઝ માટે નવી 700થી વધુ ફ્લાઇટ્સ ઉમેરી છે. નવા નિયમો અંતર્ગત મુસાફરોએ જો તેમનો કેવોરેન્ટાઇન પિરીયડ ઘટાડવો હશે તો યુકેમાં આગમનના પાંચ દિવસ પછી કરાવવાના ટેસ્ટને એડવાન્સમાં બુક કરાવવો પડશે. આ પગલાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને સફળ બનાવવા માટે લેવામાં આવ્યા છે. આ પ્રતિબંધોની તા. 15 મી ફેબ્રુઆરીએ સમીક્ષા કરાશે પરંતુ નેશનલ લોકડાઉન ચાલુ છે ત્યારે કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી.