વડાપ્રધાન ઋષિ સુનકે સોમવારે રાત્રે ઈન્ડો-પેસિફિક પ્રદેશ ઉપરના યુકેના વ્યાપક ફોકસના એક ભાગરૂપે ભારત સાથે નવો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા તેમની સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાનપદે આરૂઢ થયા પછીની પોતાની પહેલી મહત્ત્વની ફોરેન પોલિસી સ્પીચમાં સુનકે લોર્ડ મેયર ઓફ લંડન્સ બેન્ક્વેટ ખાતેના સંબોધનમાં પોતાના વારસાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની સરકાર સમગ્ર વિશ્વમાં “આઝાદી અને ખુલ્લાપણા”ના બ્રિટિશ મૂલ્યોને વેગ આપવા સમર્પિત છે.
આજે હવે બ્રિટિશ મૂલ્યો તથા હિતોને માટે એક પદ્ધતિસરનો, સંસ્થાગત પડકાર બની રહ્યું છે ત્યારે બ્રિટન – ચીનના સંબંધોનો સુવર્ણ યુગ પુરો થઈ ગયો હોવાનું જણાવતાં સુનકે કહ્યું હતું કે તેમની સરકાર હવે આ સંબંધોને અલગ રીતે મૂલવશે. પોતે રાજકારણમાં આવ્યા તે પહેલા સમગ્ર વિશ્વમાં અનેક સ્થળોએ બિઝનેસીઝમાં મૂડીરોકાણો કર્યા હોવાની વાત કરતાં બ્રિટિશ વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આજે, ઈન્ડો-પેસિફિક પ્રદેશમાં રહેલી તકો જબરજસ્ત, લલચામણી છે. 2050 સુધીમાં ઈન્ડો-પેસિફિક પ્રદેશ વિશ્વના કુલ વૃદ્ધિ દરમાં 50 ટકાનો ફાળો આપતો હશે, જ્યારે યુરોપ અને નોર્થ અમેરિકાનો બન્નેનો મળીને કુલ ફાળો માંડ 25 ટકાનો હશે.
અનેક દાયકાઓ પહેલા બીજા સંખ્યાબંધ લોકોની જેમ મારા માતા-પિતા પણ ઈસ્ટ આફ્રિકા અને ભારતીય ઉપખંડમાંથી અહીં આવી વસ્યા હતા અને અહીં જ પોતાનું ભવિષ્ય ઘડ્યું. એ પછી તાજેતરના થોડા વર્ષોમાં પણ યુકેએ હજ્જારો લોકોને હોંગ કોંગ, અફઘાનિસ્તાન તથા યુક્રેનથી મોટી સંખ્યામાં લોકોને અહીં આવકાર્યા હતા.સુનકે કહ્યું હતું કે, એક દેશ તરીકે યુકેએ હંમેશા પોતાના મૂલ્યોનું જતન કર્યું છે અને આ મૂલ્યો ફક્ત શબ્દો નહીં, પગલાં લઈને પણ હંમેશા લોકશાહીનું રક્ષણ કરે છે.
લંડનની આર્થિક પ્રવૃત્તિઓના હાર્દસમા વિસ્તારમાં ગીલ્ડહોલ ખાતે લોર્ડ મેયર્સ બેન્ક્વેટ એક વાર્ષિક ઈવેન્ટ છે, જેમાં યુકેના વડાપ્રધાન બિઝનેસ અગ્રણીઓ, વિદેશી મહાનુભાવો તેમજ વિદેશ નીતિના નિષ્ણાતોને યુકેની વિદેશ નીતિ મુદ્દે સંબોધન કરતા હોય છે.