UK freezes over, Accidents on icy roads across the country
પ્રતિક તસવીર (Photo by Leon Neal/Getty Images)

સમગ્ર દેશમાં આકરી હાડ થીજાવતી ઠંડી સાથે બર્ફીલા રોડ અને કેટલેક સ્થળે હિમવર્ષાના કારણે સોમવારે તા. 16ની રાત્રે આખું યુકે થીજીને ત્રસ્ત થઇ ગયું હતું. બરફ, આઇસી રોડ અને તેજ પવનને કારણે મંગળવારે સવારથી જ વિવિધ શહેરો અને નગરોમાં મુસાફરી કરતા લોકો માટે અરાજકતા સર્જાઈ હતી. આ અઠવાડિયે આત્યંતિક ઠંડી પડશે તેવી આગાહી સાથે દેશના અમુક વિસ્તારોમાં તાપમાન -11C જેટલું નીચું ઘટી જશે એવી આગાહી કરાઇ હતી. સમરસેટમાં A39 પર એક ડબલ-ડેકર બસ પલટી ખાઇ જવાના સમાચાર સાથે બર્ફીલા આઇસી રોડ અને સ્નોથી છવાયેલા રસ્તાઓ પર અંધાધૂંધી સર્જાઇ છે. માત્ર કોર્નવોલમાં જ 100થી વધુ વાહનો બરફના કારણે સરકી જવાથી અકસ્માત થયા હોવાના બનાવો નોંધાયા છે.

મેટ ઓફિસે સમગ્ર સાઉથ અને નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડ તથા નોર્થ વેલ્સના ભાગો, નોર્ધર્ન આયર્લેન્ડ અને નોર્થ સ્કોટલેન્ડના મોટા ભાગોમાં બરફ અને આઇસ માટે યલો વોર્નીંગ આપી છે. તો બીજી તરફ યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)એ સોમવારે ‘તીવ્ર ઠંડીના કારણે લેવલ થ્રી કોલ્ડ એલર્ટ જારી કર્યું હતું.

યુકે હેલ્થ એન્ડ સિક્યુરિટી એજન્સી (UKHSA)એ લોકોને ઘણા બધા પાતળા લેય ધરાવતા કપડા પહેરવા અને પુષ્કળ ગરમ પીણાં પીવા માટે વિનંતી કરી હતી. લોકોને આગામી દિવસોમાં ભારે ઠંડી હોવાના કારણે કુટુંબના નાદુરસ્ત અને બીમાર સભ્યો, મિત્રો અથવા પડોશીઓનું ધ્યાન રાખવા અને તેમની તપાસ કરતા રહેવા જણાવ્યું હતું.

લંડનના મેયર સાદિક ખાને લંડનમાં તાપમાન રાતોરાત 0C ની નીચે જવાની ધારણા હોવાના કારણે સોમવારે રફ સ્લીપર્સ માટે કટોકટી આવાસ આપવા માટે સિવિયર વેધર ઇમરજન્સી પ્રોટોકોલ (SWEP)ને સક્રિય થવા આદેશ આપ્યો હતો.

મેટ ઑફિસના મુખ્ય હવામાનશાસ્ત્રી જેસન કેલીએ જણાવ્યું હતું કે ‘આ અઠવાડિયે ઠંડી, બર્ફીલા રોડ અને ક્યારેક બરફની સ્થિતિની આગાહી કરવામાં આવી છે. યુકેમાં નોર્થ વેસ્ટના વિસ્તારોમાં સ્થિતી કપરી બની શકે છે અને સરેરાશ સામાન્ય કરતા તાપમાન ઘણું ઓછું છે. નોર્થ ઈંગ્લેન્ડમાં અઠવાડિયા દરમિયાન શિયાળાના વરસાદની શક્યતા છે. આ અઠવાડિયે મોટાભાગની રાતો દરમિયાન સામાન્ય કરતા તાપમાન વધારે ઠંડું રહેશે અને મહત્તમ તાપમાન મોટાભાગે સિંગલ આંક સુધી પહોંચશે.’

હવામાન કચેરીએ જણાવ્યું છે કે શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી સમગ્ર ઈંગ્લેન્ડમાં ઠંડીનું વાતાવરણ ચાલુ રહેશે. તો સમગ્ર સાઉથ ઇંગ્લેન્ડમાં બરફ માટે મંગળવારે સવારે 10 વાગ્યા સુધી યલો એલર્ટ જારી કરાઇ હતી.

ટોપક્લિફ, નોર્થ યોર્કશાયરમાં તાપમાન માઈનસ 9.8C (14.36F) જેટલું નીચું ગયું હતું અને, કોર્નવોલ સહિત સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડના ભાગોમાં ભારે હિમવર્ષા થઈ હતી. સ્કોટલેન્ડના ડમફ્રાઈસ અને ગેલોવેના એસ્કડેલેમુઈરમાં માઈનસ 8.7C (16.34F), નોર્ધર્ન આયર્લૅન્ડના કાઉન્ટી ડાઉનમાં કેટ્સબ્રિજમાં માઈનસ 8.4C (16.88F) અને સેનીસબ્રિજ, વેલ્સમાં માઈનસ 7.7C (18.14F) તાપમાન નોંધાયું હતું. સાઉથ વેલ્સ અને યોર્કશાયરમાં અનુક્રમે -8C અને -9C જેટલું નીચું ઠંડું તાપમાન રહ્યું હતું અને આગામી થોડા દિવસોમાં તાપમાન -11C જેટલું નીચું જઈ શકે છે.

 

LEAVE A REPLY