દેશની 2021ની વસ્તી ગણતરીના ડેટાના આધારે તાજેતરના આંકડાઓ અનુસાર ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતા છ વ્યક્તિઓમાંથી લગભગ એક વ્યક્તિ દેશની બહાર જન્મ્યો હતો. જ્યારે દેશની કુલ વસ્તીના 1.5 ટકા રહેવાસીઓમાં ભારતીયોનો હિસ્સો સૌથી મોટો હતો.
યુકેની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ ગયા વર્ષે યુકેમાં વસતા પણ વિદેશમાં જન્મેલા હોય તેવા 920,000 લોકો ભારતના હતા. ત્યારબાદ પોલેન્ડના 743,000 લોકો અને ત્રીજા નંબરે પાકિસ્તાન 624,000ના લોકો હતા.
ONS એ જણાવ્યું હતું કે ‘’ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વસતા અને યુકેની બહાર જન્મેલા લોકોની કુલ સંખ્યા 2011માં 7.5 મિલિયન (કુલ વસ્તીના 13.4 ટકા) હતી. જેમાં 2.5 મિલિયનના વધારા સાથે 2021માં તે સંખ્યા 10 મિલિયન (કુલ વસ્તીના 16.8 ટકા) થઇ છે. 2021માં ભારત યુકેની બહાર જન્મ લેનારા લોકો સાથે ભારત સૌથી મોટો દેશ રહ્યો હતો.”
2011માં ભારતમાં જન્મ લેનારા લોકોની વસ્તી 694,000, પોલેન્ડના લોકોની 579,000 અને પાકિસ્તાનના લોકોની વસ્તી 482,000 હતી. 2021માં વિદેશી પાસપોર્ટ ધરાવનાર પોલીશ (760,000, 1.3 ટકા), રોમાનિયન (550,000, 0.9 ટકા) અને ભારતીય (369,000, 0.6 ટકા) લોકો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતા હતા.
લંડનમાં 2021માં દર 10 માંથી ચાર કરતાં વધુ (40.6 ટકા) સામાન્ય રહેવાસીઓ યુકે બહાર જન્મેલા હતા. તો પાંચમાંથી એક કરતાં વધુ (23.3 ટકા) પાસે યુકે સિવાયનો પાસપોર્ટ હતો. 2011માં લંડનના 36.7 ટકા રહેવાસીઓ વિદેશમાં જન્મેલા હતા અને 21 ટકા પાસે નોન-યુકે પાસપોર્ટ હતા.
રોમેનિયનોની વસ્તી 2011ની 80,000થી વધીને 2021માં 539,000 થઈ હતી જે વધારો 576 ટકા હતો. 2014માં રોમેનિયન નાગરિકો માટેના કામકાજના પ્રતિબંધો હટાવવાને કારણે આ વધારો થયો હતો.
યુનાઇટેડ સ્ટેટ્સ અને જમૈકા 2021માં જન્મના ટોચના 10 નોન-યુકે દેશોમાંથી બહાર નીકળી ગયા છે. હવે ભારત, પોલેન્ડ અને પાકિસ્તાન પછી વસ્તીની રીતે રોમાનિયા (ચોથા), આયર્લેન્ડ (પાંચમું) ઇટાલી (છઠ્ઠુ) બાંગ્લાદેશ (સાતમું), નાઇજીરિયા (આઠમું) જર્મની (નવમું) અને દક્ષિણ આફ્રિકા (10મું) સ્થાન ધરાવે છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યુરોપિયન યુનિયન (EU) માં જન્મેલા લોકોની વસ્તી 3.6 મિલિયન છે જે બિન-યુકેમાં જન્મેલા રહેવાસીઓના 36.4 ટકા છે.