500 કરતા વધુ વર્ષના તીવ્ર સંઘર્ષ પછી અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી પ્રસંગે યુકેભરમાં 200 કરતાં વધુ સંસ્થાઓ અને મંદિરોમાં પૂજા, કિર્તન, ભગવાન રામની મૂર્તિના અભિષેક અને પ્રસાદ કાર્યક્રમોના આયોજનો કરાયા હતા. ઢોલ ત્રાંસાના નાદ અને જય જય શ્રી રામના નારા સાથે ઈસ્ટ લંડન અને વેમ્બલીમાં કાર રેલી કાઢવામાં આવી હતી. તો લેસ્ટરમાં એક વિશાળ પદયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જયશ્રી રામ અને વંદે માતરમ તથા ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવાયા હતા.

સનાતન સંસ્થા દ્વારા યુકેની સંસદમાં જય શ્રી રામના નારા સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને પ્રેરક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં 150થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

યુકે સેલિબ્રેટ ઓયોધ્યા રામ મંદિર વેબસાઇટ પર સવા બસો કરતા વધુ સંસ્થાઓએ શ્રી રામ મંદિર ઉદ્ઘાટન સમારોહનું સ્વાગત કરી પોતાના મંદિરો, સંસ્થામાં તેની ઉજવણી કરવા માટે ડેકલેરેશન પર સહીઓ કરી હતી.

તા. 20ના રોજ બપોરે 2 વાગ્યે ઇસ્ટ લંડનના રોમફર્ડ સ્થિત ધ સિટી પેવેલિયનથી 300 જેટલી કારનો કાફલો મોટી ટ્રક પરના એક ફ્લોટ પર રામ દરબાર સાથે નીકળ્યો હતો. આ કાર રેલી ઇલફર્ડ મંદિર, દુર્ગા મંદિર, મહાલક્ષ્મી મંદિર અને ચિગવેલમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇ સિટી પેવેલિયન પરત આવી હતી. જ્યાં લગભગ 1500 જેટલા લોકોએ આરતી, આતશબાજી અને વિશેષ મહા-આરતીમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન જોડાયેલા લોકોએ કેસરી ધજા પતાકાઓ લહેરાવવા સાથે ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા હતા અને ભગવાન રામની સ્તુતિ અને ગીતો વગાડ્યા હતા.

રેલીમાં ભાગ લેનાર રવિ ભાનોટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ હિંદુઓ માટે સવિશેષ ઘટના છે અને સમુદાય માટે તે વિશેષ સ્થાન ધરાવે છે. મંદિરનું નિર્માણ જોવામાં આપણને 500 વર્ષ લાગ્યાં હતા. જેમ વેટિકન સિટી એ ખ્રિસ્તીઓ માટે, શીખો માટે સુવર્ણ મંદિર છે તેમ હવે હિન્દુઓ માટે રામ મંદિર છે.”

વેમ્બલીના અલ્પર્ટન સહિત અન્ય વિસ્તારોમાં પણ એક કાર રેલી કાઢવામાં આવી હતી. જેમાં જય શ્રી રામના નારા સાથે લોકોએ કાર ઉપરાંત  સ્કૂટર્સ પર ભાગ લીધો હતો.

વેસ્ટ લંડનના વ્હાઇટ સિટી ખાતે આવેલ ઇંગ્લેન્ડના સૌથી મોટા શોપિંગ સેન્ટરમાંના એક વેસ્ટફિલ્ડ નજીક શ્રી રામ મંદિરનું સ્વાગત કરતું એક વિશાળ બિલબોર્ડ મૂકાયું હતું. તો સ્લાઉના હિન્દુ મંદિરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 250 કિલો લાડુ અને અક્ષત ચોખાનું વિતરણ કરાયું હતું. VHP સાઉથ લંડન દ્વારા ક્રોયડનની કુમ્બવુડ સ્કૂલમાં 400 જેટલા લોકોએ વિવિધ ભાષામાં ભક્તિગીતો રજૂ કર્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો.

વેમ્બલી સનાતન હિંદુ મંદિર ખાતે ભગવાન રામના ભજન કિર્તનનું આયોજન કરાયું હતું. કેન્ટન સ્વામિનારાયણ મંદિર ખાતે આયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરના આકારની કેક બનાવવામાં આવી હતી. તો કિંગ્સ સ્ટ્રીટ સાઉથોલ ખાતે આવેલ શ્રી રામ મંદિરને રોશનીથી શણગારી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY