ઋષિ સુનક, એક્સચેકર ઓફ ચાન્સેલર
સાજીદ જાવિદના રાજીનામા બાદ ચાન્સેલર તરીકે નિયુક્ત કરાયેલા ઋષિ સુનકે અઠવાડિયામાં જ કોરોનાવાયરસ રોગચાળા અને રાષ્ટ્રીય લોકડાઉન દ્વારા યુકેની અર્થવ્યવસ્થાને આગળ વધારવાના પડકારનો સામનો કરવો પડ્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ, સરકારે કોરોનાવાયરસ સામે લડવા અને અર્થતંત્રને બચાવવા માટે બિલિયન્સ પાઉન્ડ ખર્ચ કરવો પડ્યો છે. તેમને દેશના ઉભરતા તારા અને ઘણીવાર ભાવિ વડા પ્રધાન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એક સફળ બિઝનેસમેન અને મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મના સહ-સ્થાપક હતા.
શ્રી સુનકે ભારતીય બિલિયોનેર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે. યુકે પાછા આવતા પહેલા આ દંપતી કેટલાય વર્ષોથી કેલિફોર્નિયામાં રહેતું હતું.
પ્રિતિ પટેલ હોમ સેક્રેટરી
પ્રીતિ પટેલે બોરિસ જોન્સનની પ્રથમ કેબિનેટમાં હોમ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા બાદ સતત પોતાનું પદ જાળવી રાખ્યું છે. અગ્રણી બ્રેક્ઝીટર શ્રીમતી પટેલે અગાઉ જોન્સન એકમાત્ર વ્યક્તિ છે જેઓ બ્રેક્ઝિટ અને ટોરીઝને બચાવી શકે છે એવું નિવેદન આપ્યું હતું. તેમણે થેરેસા મેના મંત્રીમંડળમાં ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી તરીકે સેવા આપી હતી, જ્યાં તેમને ઇઝરાયેલી રાજકારણીઓ સાથે અનધિકૃત બેઠકોના કારણે પદ છોડવાની ફરજ પડી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટીની પી.આર. ટીમમાં ઘણા વર્ષો સુધી કામ કર્યા બાદ, તેમજ તમાકુ અને આલ્કોહોલ ઉદ્યોગો માટે લોબિઇંગ કર્યા પછી, તેઓ 2010માં પ્રથમ વખત વિધામ, એસેક્સની બેઠક માટે ચૂંટાઈ આવ્યા હતા.
સાજિદ જાવિદ હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી
સામાજિક અંતરની માર્ગદર્શિકા તોડવા બદલ મેટ હેનકોકે રાજીનામુ આપ્યા પછી સાજીદ જાવિદની જૂનમાં નિયુક્તી કરાઇ હતી. તેમણે 2019માં જોન્સનની કેબિનેટમાં ચાન્સેલર તરીકે સેવા આપી હતી પરંતુ વડા પ્રધાનના તત્કાલીન સલાહકાર ડોમિનિક કમિંગ્સ સાથેના તનાવ બાદ માત્ર છ મ
હિનામાં રાજીનામુ આપી દીધું હતું.
વૈશ્વિક રોગચાળા વચ્ચે દેશ કોરોનાવાયરસના વધતા જતા કેસોનો સામનો કરી રહ્યો હતો તેવા નાજુક સમયે તેઓ જોડાયા હતા. 2010થી બ્રોમ્સગ્રોવના સાંસદ તરીકે સેવા આપતા જાવિદનો જન્મ 1969માં રોશડેલમાં પાકિસ્તાનથી યુકે આવેલા માતા-પિતાને ત્યાં થયો હતો. જેઓ પાંચ પુત્રોમાંથી એક છે.
નદીમ ઝહાવી એજ્યુકેશન સેક્રેટરી
2010માં સ્ટ્રેટફર્ડ-ઓન-એવન માટે કન્ઝર્વેટિવ સાંસદ તરીકે ચૂંટાયેલા નદીમ ઝહાવી એજ્યુકેશન સેક્રેટરી બનતા પહેલા બિઝનેસ મિનિસ્ટર અને મિનિસ્ટર ફોર વેક્સીન તરીકે સેવા આપતા હતા. સાસંદ બનતા પહેલા તેમણે માર્કેટ રીસર્ચ ફર્મ યુગોવની સ્થાપના કરી હતી.
ક્વાસી ક્વોર્ટેન્ગ બિઝનેસ સેક્રેટરી
ક્વાસી ક્વોર્ટેન્ગએ જાન્યુઆરીમાં નિમણૂક થયા બાદ બિઝનેસ સેક્રેટરી તરીકેનું પદ ચાલુ રાખ્યું છે. સરેના સ્પેલ્થોર્નના સાંસદ અને ઉગતા તારા તરીકે જોવાતા ક્વોર્ટેન્ગ જુલાઈ 2019થી ઉર્જા મંત્રી અને તે અગાઉ જુનિયર બ્રેક્ઝિટ મિનિસ્ટર હતા. 2010માં સાંસદ બનતા પહેલા, તેમણે ફાઇનાન્સીયલ સર્વિસીસમાં એનાલીસ્ટ તરીકે કામ કર્યું હતું.
આલોક શર્મા પ્રેસિડેન્ટ COP26
COP26 પ્રમુખ આલોક શર્મા નવેમ્બરમાં ગ્લાસગોમાં યોજાનાર યુએન COP26 ક્લાઇમેટ કોન્ફરન્સના પ્રમુખ તરીકે જોડાતા પહેલા જાન્યુઆરી સુધી બિઝનેસ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. રીડિંગ વેસ્ટના સાંસદ આલોક જુલાઈ 2019 માં કેબિનેટમાં જોડાયા હતા. 2010માં ચૂંટાતા પહેલા, તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે બેંકિંગ ક્ષેત્રમાં કામ કરતા હતા.
સુલા બ્રેવરમેન એટર્ની જનરલ
સુએલા બ્રેવરમેને 2020માં જ્યોફ્રી કોક્સને સ્થાને એટર્ની જનરલ તરીકે નિમાયા હતા. મજબૂત બ્રેક્ઝિટ સમર્થક, શ્રીમતી બ્રેવરમેને જૂન 2017 થી જાન્યુઆરી 2018 સુધી યુરોપિયન રિસર્ચ ગ્રુપની અધ્યક્ષતા કરી હતી અને થેરેસા મેના રાજમાં ઇયુ છોડવાના વિભાગમાં મંત્રી બન્યા હતા અને નવેમ્બર 2018 માં શ્રીમતી મેના ડ્રાફ્ટ ઇયુ વિથડ્રોઅલ બિલના વિરોધમાં રાજીનામું આપ્યું હતું. સુએલા બ્રેવરમેન 2015થી ફેરહામના સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે.