યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટીની પચાસમી વર્ષગાંઠ પ્રસંગે સાંસદ શૈલેષ વારા અને યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણી દ્વારા પીટરબરોમાં સ્થાયી થયેલા પચાસ યુગાન્ડન પરિવારો અને સ્થાનિક સમુદાયના લોકોની ઉપસ્થિતીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોતાના મતવિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરનાર એમપી શૈલેષ વારાએ વિસ્થાપીત પરિવારોના શહેરમાં આગમન વખતે તેમને જે પૂર્વગ્રહો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેની વાતો કરી હતી. કેટલાક સ્થાનિક લોકોના ભારે વિરોધ છતાં આ યુગાન્ડન પરિવારોને પીટરબરોમાં આમંત્રિત કરવાના નિર્ણય બદલ કાઉન્સિલના તત્કાલિન નેતા કાઉન્સિલર ચાર્લ્સ સ્વિફ્ટની તેમણે પ્રશંસા કરી હતી. શ્રી વારાએ આ પરિવારોએ પીટરબરોમાં અને આખા યુકેમાં આપેલા અમૂલ્ય યોગદાનની વાત કરતાં જણાવ્યું હતું કે તે સમયે 28,000 લોકો યુકે આવ્યા હતા.
યુગાન્ડાના યુકેના હાઇ કમિશ્નર નિમિષા માધવાણીએ એસિયન પરિવારોએ આગમન સમયે સહન કરેલી અગ્નિપરીક્ષા વિશે વાત કરી ઉલ્લેખ કર્યો કે તેઓ પણ 1972માં ઈદી અમીન દ્વારા હાંકી કાઢવામાં આવ્યા બાદ ઈંગ્લેન્ડ આવ્યા હતા. તેમણે પ્રવાસીઓ અને રોકાણકારો તરીકે, યુગાન્ડામાં લોકોને પાછા આવવા રાષ્ટ્રપતિ મુસેવેનીની ઈચ્છા વિશે પણ વાત કરી પીટરબરોથી લોકોને યુગાન્ડામાં આવકારવા માટે આતુર છે તેમ જણાવ્યું હતું.
પીટરબરો ભારત હિંદુ સમાજના પ્રમુખ શ્રી કિશોર લાડવાએ એક યુવાન કિશોર તરીકે પોતાના આગમનની યાદો તાજી કરી હતી. કાર્યક્રમનું સમાપન ગરબા અને ભોજન સાથે કરાયું હતું.
કાર્યક્રમ બાદ શ્રી વારાએ કહ્યું હતું કે“મને આ મહત્વપૂર્ણ વર્ષગાંઠનો ભાગ બનીને ખૂબ જ આનંદ થયો છે. યુગાન્ડાથી યુકેમાં આવેલા એશિયનોએ જીવનના તમામ ક્ષેત્રોમાં દેશ માટે પ્રચંડ યોગદાન આપ્યું છે અને હજુ તેઓ તેમ કરવાનું ચાલુ રાખે છે. હું ખાસ ખુશ છું કે તેમનો નોંધપાત્ર હિસ્સો મારા મતવિસ્તાર પીટરબરોમાં છે.”