યુગાન્ડાથી યુકે આવેલા એશિયનોના આગમન – પુનઃસ્થાપનની 50મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે HM ધ કિંગ ચાર્લ્સ અને બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા એક સ્વાગત સમારોહનું આયોજન બુધવાર, 2 નવેમ્બર 2022ના રોજ બકિંગહામ પેલેસ, લંડનના ડાઇનિંગ રૂમમાં કરવામાં આવ્યું છે. આ સમારોહ ભૂતપૂર્વ પત્રકારો જોન સ્નો અને જોનાથન ડિમ્બલબી દ્વારા રજૂ કરવામાં આવશે.
આ રિસેપ્શનમાં 50 વર્ષ પહેલાં યુગાન્ડાના એશિયન શરણાર્થીઓના પુનઃસ્થાપનને ટેકો આપનાર રોયલ વોલંટીયરી સર્વિસ, બ્રિટિશ રેડ ક્રોસ અને ઓક્સફામ જેવી સખાવતી સંસ્થાઓ અને અન્ય સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.
કાર્યક્રમ દરમિયાન કિંગ ધ બૉલરૂમમાં મુખ્ય સમારોહમાં જોડાશે. આ સમારંભ ઘણા શરણાર્થીઓ અને સ્વયંસેવકોને ફરીથી જોડવાની તક પૂરી પાડશે. જેમાં સાઇઠથી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓનો આભાર વ્યક્ત કરાશે જેમણે તે વખતે સમયસર માનવતાવાદી સહાય પૂરી પાડી હતી.
લોર્ડ ગાઢિયા, બેરોનેસ શ્રીતિ વાડેરા, બેરોનેસ વર્જિનિયા બોટમલી, સંજીવ ભાસ્કર અને આર્કબિશપ લોર્ડ સેન્ટામુ સહિતના વક્તાઓ પ્રવચન આપશે. કાર્યક્રમના અંતે વેસ્ટેન્ડ ગોસ્પેલ ક્વોયર રજૂ થશે.
આ કાર્યક્રમમાં 500 લોકો ભાગ લેશે, જેમાંથી મોટાભાગના લોકો 50 વર્ષ પહેલા યુગાન્ડાથી યુકેમાં આવેલા બ્રિટિશ એશિયનોના પરિવારો સાથે સીધા જોડાણ ધરાવે છે.
વેટરન બ્રોડકાસ્ટર્સ, જોનાથન ડિમ્બલબી અને જોન સ્નો આ માઇગ્રેશનના સમાચારોને આવરી લેવામાં મોખરે હતા. જોનાથન ડિમ્બલબીએ યુગાન્ડાથી 1972 માં ITV માટે અહેવાલ આપ્યો હતો. જોન સ્નોએ યુગાન્ડાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ઇદી અમીનનો અનેક પ્રસંગોએ ઇન્ટરવ્યુ લીધો હતો અને 1967માં તેઓ વોલંટીયર સર્વિસ ઓવરસીઝમાં વિદ્યાર્થી તરીકે યુગાન્ડામાં રહ્યા હતા અને ઇંગ્લિશ શીખવતા હતા. તેઓ બંને ઈતિહાસના આ સમયગાળા દરમિયાન પોતાના અનુભવો શેર કરશે.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સ્થાપના 2007માં પ્રિન્સ ઑફ વેલ્સ અને બ્રિટિશ એશિયન બિઝનેસ લીડર્સના જૂથ દ્વારા કરાઇ હતી.