યુગાન્ડાના પ્રેસિડન્ટ યોવેરી મુસેવેનીએ શનિવારે ઇબોલાના એપિસેન્ટર બનેલા બે જિલ્લાઓમાં 21 દિવસનું આકરું લોકડાઉન લાદ્યું છે. તેનાથી રાત્રિ કર્ફ્યુનો અમલ થશે અને જાહેર સ્થળોને બંધ રહેશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 20 સપ્ટેમ્બરે આ રોગચાળો પ્રથમ વખત ફાટી નીકળ્યા પછીથી 19 લોકોના મોત થયા છે અને જીવલેણ વાયરલ હેમોરહેજિક તાવના 58 કેસને પુષ્ટિ મળી છે.
સત્તાવાળાઓ જણાવે છે કે આ રોગચાળો મુબેન્ડે અને કસાંડાના જિલ્લાઓમાં કેન્દ્રિત છે. તે દંપત્તિ પોઝિટિવિ આવ્યું હોવા છતાં 1.5 મિલિયનની વસતી ધરાવતી રાજધાની કમ્પાલામાં ફેલાયો નથી.
એક ટેલિવિઝન સંબોધનમાં મુસેવેનીએ શનિવારે મુબેન્ડે અને કસાંડામાં 21 દિવસ સુધી તાત્કાલિક લોકડાઉનનો આદેશ આપ્યો હતા. તેનાથી સાંજથી સવાર સુધી કર્ફ્યુ રહેશે, મુસાફરી પર પ્રતિબંધ તથા બજારો, બાર અને ચર્ચ બંધ રહેશે.
1986થી યુગાન્ડા પર શાસન કરનારા ગેરિલા નેતામાંથી પ્રેસિડન્ટ બનેલા મુસેવેનીએ જણાવ્યું હતું કે “હું હવે નીચે મુજબ આદેશ આપું છું: મુબેન્ડે અને કસાંડા જિલ્લાઓમાં અને તેના બહારના વિસ્તારોમાં અવરજવર હવે પ્રતિબંધિત છે. જો તમે મુબેન્ડે અને કસાંડા જિલ્લામાં છો, તો ત્યાં 21 દિવસ રહો.”
તેમણે જણાવ્યું હતું કે કાર્ગો ટ્રકોને આ બે વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝિટની મંજૂરી આપવામાં આવશે, પરંતુ અન્ય તમામ પરિવહન – વ્યક્તિગત અથવા બીજા કોઇ હોય તેમને સ્થગિત કરવામાં આવે છે.
મુસેવેનીએ ઇબોલાના ફેલાવાને રોકવા માટે અગાઉ પરંપરાગત ઉપચારકોને બીમાર લોકોની સારવાર ન કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે આઇસોલેશનમાં જવાનો ઇનકાર કરનારા વાઇરસના શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવાની પણ પોલીસને તાકીદ કરી છે.
ઇબોલા શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે. તેના સામાન્ય લક્ષણોમાં તાવ, ઉલટી, રક્તસ્રાવ અને ઝાડા છે. આ રોગચાળાને ખાસ કરીને શહેરી વાતાવરણમાં અંકુશમાં લેવાનું મુશ્કેલ હોય છે.
યુગાન્ડામાં અગાઉ 2019માં ઇબોલા ફાટી નીકળ્યો હતો. યુગાન્ડામાં હાલમાં ફેલાયેલો ઇબાલોનો સ્ટ્રેઇન સુદાન ઇબોલા વાયરસ તરીકે ઓળખાય છે. તેની હાલમાં કોઈ રસી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે આ વાઇરસ સામે લડવા માટેની દવાઓના ક્લિનિકલ ટ્રાયલ અઠવાડિયામાં શરૂ થવાની ધારણા છે.