યુગાન્ડામાં 35 વર્ષથી સત્તા પર રહેલા યોવેરી મુસેવેનીનો છઠ્ઠી વખત ચૂંટણીમાં વિજય થયો હતો. આ ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.
76 વર્ષીય મુસેવેની 1986માં સત્તા પર આવ્યા હતા અને અને આફ્રિકામાં સૌથી લાંબો સમય પ્રેસિડન્ટ રહેલા શાસકોમાં તેમનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં મોટાપાયે હિંસા થઈ હતી. વિરોધ પક્ષો અને મીડિયાને કચડી નાંખવાનો પણ તેમના પર આક્ષેપ છે.
શનિવારે રિઝલ્ટની જાહેરાત કરતાં ચૂંટણીપંચના ચેરમેને જણાવ્યું હતું કે ચૂંટણીપંચ યુગાન્ડાના પ્રેસિડન્ટ તરીકે યોવેરી મુસેવેનીને વિજેતા જાહેર કરે છે. કુલ 18 મિલિયન મતદાતામાં 57.22 ટકા લોકોએ મતદાન કર્યું હતું. પ્રેસિડન્ટની ચૂંટણીમાં મુસેવેનીની 58.6 ટકા મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ અને ભૂતપૂર્વ રાગા સિન્ગર બોબી વાઇનને 34.8 ટકા મત મળ્યા હતા.
ચૂંટણીપંચની જાહેરાતના દિવસે કંપાલામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાષ્ટ્રવ્યાપી પ્રવચનમાં મુસેવેનીએ તેમના સમર્થકોનો આભાર માનીને જણાવ્યું હતું કે હવે હિંસાને રોકવાનો સમય છે.