યુનાઇટેડ આરબ અમિરાતે વ્યક્તિગત સ્વતંત્રતા માટે દેશના ઇસ્લામિક પર્સનલ લોમાં મોટા પાયે છૂટછાટની શનિવારે જાહેરાત કરી હતી. લગ્ન કર્યા વગર સાથે રહેવાની છૂટ આપી છે અને દારુ અંગેના નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. હવેથી ઓનર કિલિંગને એક ગુનો ગણવામાં આવશે. નવા સુધારા મુજબ વિદેશી લોકો લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા મુદ્દે ઇસ્લામિક શરિયા કોર્ટને ટાળી શકશે.
વ્યક્તિગત સ્વતંત્રતા માટે છૂટછાટ આપતાં આ નિર્ણયો યુએઇના બદલાઇ રહેલા ચહેરાનું પ્રતિબિંબ છે. પશ્ચિમના પર્યટકો, બિઝનેસમેનને આકર્ષવા યુએઇ દ્વારા તાજેતરમાં ત્વરિત નિર્ણયો લેવાઇ રહ્યા છે. ઘરઆંગણે બદલાઇ રહેલા સમાજના સ્વરૂપ જોતાં અમિરાતના શાસકો ઇસ્લામિક કાયદામાં આ છૂટછાટો આપી રહ્યા છે.
એક સુધારો મહત્વનો એ છે કે હવેથી યુએઇમાં લગ્ન ન કર્યા હોય તો પણ સ્ત્રી-પુરૂષ એકબીજાની સાથે રહી શકશે. એટલે કે યુએઇએ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોને લગ્ન વગર પણ સાથે રહેવાની છુટ આપી દીધી છે. જેનાથી મહિલાઓ પર લગ્ન બાદ થતા અત્યાચારો ઘટવાની શક્યતાઓ છે. આ સુધારાથી વિદેશી લોકોને મોટી રાહત મળશે. હવેથી દારૂ પીવો એ યુએઇમાં ગુનો નહીં માનવામાં આવે અને લોકોને દારૂનું સેવન કરવાની છુટ આપી દીધી છે. જેને પગલે હવેથી યુએઇમાં રહેતા લોકોએ ઘરે અથવા દારૂ મળતી દુકાને દારૂ પીવા માટે કોઇ લાઇસન્સની જરૂર નહીં રહે. જોકે દારૂનું સેવન કરનારાનું આયુષ્ય 21 વર્ષથી વધુ હોવું જરૂરી છે.
કોઇ વ્યક્તિએ લગ્ન કર્યા હોય અને બાદમાં યુએઇ જઇને રહેતા હોય તેઓએ જે દેશમાં લગ્ન કર્યા હોય ત્યાંના નિયમો અને કાયદા અનુસાર ડિવોર્સ લેવાની છુટ અપાઇ છે. મહિલાઓની છેડતી કરનારા પુરૂષોને આકરી સજા કરવામાં આવશે. મહિલાઓ સાથે સ્ટોકિંગ, શેરીઓ પર જતી મહિલાઓને ઘુરવી વગેરે એક ગુનો માનવામાં આવશે.
આ નવા નિયમોને કારણે મહિલા સહિતની વ્યક્તિઓને વધુ સ્વતંત્રતા મળી રહેશે. તેની સાથે જ ગુના પર કાબુ મેળવવા માટે કેટલાક કાયદાઓને યુએઇએ વધુ આકરા બનાવી દીધા છે. હવેથી યુએઇમાં કિશોર વયની કે બાળકી પર રેપ થાય તો ફાંસીની સજા આપવામાં આવશે.
પર્સનલ સ્ટેટસ લો, ફેડરલ પીનલ કોડ અને ફેડરલ પીનલ પ્રોસીજરલ વગેરેમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાઓની સીધી અસર ભારતીયો સહિતના એવા લોકો પર થઇ શકે છે કે જેઓ ત્યાં જઇને કામ કરે છે અથવા હાલ ત્યાં નાગરિક્તા ધરાવે છે.
પ્રવાસીઓની વસીયત અને સંપત્તિ, લગ્ન અને તલાક, શારિરીક શોષણ સાથે સંકળાયેલા ગુનાના કાયદામાં સુધારો કરાયો છે. તેથી હવેથી યુએઇમાં રહેનારા પ્રવાસીઓને કાયદા પસંદ કરવાની સ્વતંત્રતારહેશે અને જે પોતાની પૈતૃક સંપત્તિ પર લાગુ કરાશે.