ભારત સરકારે કુવૈત તથા સંયુક્ત આરબ અમિરાતની એ વિનંતીને સૈદ્ધાંતિક મંજુરી આપી છે કે એ બન્ને દેશોમાં કોરોના વાઈરસના રોગચાળાના મુકાબલા માટે ભારતીય ડોક્ટર્સ તથા આરોગ્ય સંભાળના કર્મચારીઓ મોકલવામાં આવે. કુવૈતે આ મહિનાના આરંભે ભારતને આવી વિનંતી કરી હતી અને એ વખતે ભારતે 15 સભ્યોની મિલિટરી રેપિડ રીસ્પોન્સ ટીમ ભારતીય વાયુ સેનાના વિમાનમાં મોકલી આપી હતી.
એ ટીમ તો આ સપ્તાહના આરંભે ભારત પાછી પણ આવી ચૂકી છે. કુવૈત આ ટીમની કામગીરીથી ખૂબજ પ્રભાવિત થયું હતું અને તેણે વધુ ટીમ્સ મોકલવાની વિનંતી કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ એક અગ્રણી ભારતીય અખબારને આપેલી વિગતો મુજબ કુવૈત સિવાય સંયુક્ત આરબ અમિરાત તથા મોરિશિયસ અને કોમોરસે પણ ભારતને આ રીતે પોતાની મેડિકલ ટીમ્સ મોકલવા વિનંતી કરી છે.
ખાડી વિસ્તારના અન્ય દેશોએ પણ અવિધિસર રીતે તો ભારતને જણાવ્યું છે કે તેઓ આ પ્રકારની તબીબી સહાય મેળવવા ઈચ્છે છે. આ વિનંતીઓના પગલે, સરકારે એક સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે કે, ભારતના નિવૃત્ત મિલિટરી ડોકટર્સ, નર્સીસ તથા ટેકનિશિયન્સને કુવૈત તથા અમિરાત જવા દેવા. મોરિશિયસ તથા કોમોરસ માટે ભારતની મિલિટરી રેપિડ રીસ્પોન્સ ટીમ્સ મોકલાશે.
કુવૈત તથા યુએઈ માટે ભારતીય સેનાના નિવૃત્ત હેલ્થકેર પ્રોફેશનલ્સ – ડોક્ટર્સ, નર્સીઝ, લેબ ટેકનિશિયન્સ વગેરે જે ત્યાં સેવા આપવા તૈયાર હોય તેઓ જઈ શકે છે. ભારતીય આર્મી મેડિકલ કોર્પ્સમાંથી દર વર્ષે સરેરાશ 100 ડોક્ટર્સ, 30-40 નર્સીઝ તેમજ મોટી સંખ્યામાં પેરામેડિક્સ નિવૃત્ત થાય છે.