નવી દિલ્હીમાં રોહિંગ્યા મુસ્લિમોના બાળકો REUTERS/Adnan Abidi/File Photo

રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીની બુધવારની જાહેરાતથી કેન્દ્રની મોદી સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી અને સરકારે તાકીદે આ મુદ્દે યુ-ટર્ન લેવો પડ્યો હતો. સવારમાં હરદીપ પુરીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં રહેલા રોહિંગ્યા શરણાર્થીઓને આર્થિક રીતે પછાત વર્ગના ફ્લેટમાં ખસેડવામાં આવશે. જોકે સાંજ પડતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આવી કોઇ હિલચાલનો ઇનકાર કર્યો હતો અને દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે દેશનિકાલ ન થાય ત્યાં સુધી ગેરકાદેસરના વિદેશીઓને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે.

સવારે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન પુરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દેશમાં શરણ માગતા લોકોને ભારત આવકારે છે અને તમામ રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીના બક્કારવાલા એરિયાના ફ્લેટમાં ખસેડવામાં આવશે. જોકે સાંજે તેમણે ગૃહ મંત્રાલયના સ્પષ્ટતા કરતું નિવેદન શેર કર્યું હતું અને જણાવ્યું હતુ કે તે સાચુ વલણ છે.

ગૃહ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે રોહિંગ્યા વિદેશીઓ સંબંધિત મીડિયાના કેટલાંક વર્ગોના ન્યૂઝ રીપોર્ટના સંદર્ભમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે મંત્રાલયે નવી દિલ્હીમાં બક્કારવાલા ખાતે રોહિંગ્યાને ફ્લેટ પૂરા પાડવાનો કોઇ આદેશ આપ્યો નથી. તેમાં એવું પણ જણાવાયું હતું કે દિલ્હીની આપ સરકારે રોહિંગ્યા મુસ્લિમોને નવા સ્થળે ખસેડવાની દરખાસ્ત કરી છે. જોકે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ સરકાર પર હુમલો કરતાં જણાવ્યું હતું કે દિલ્હીમાં ગુપ્ત રીતે રોહિંગ્યાને કાયમી ઘર આપીને કેન્દ્ર સરકાર તેનો દોષનો ટોપલો આપ સરકાર પર નાંખવાનો પ્રયાસ કરી રહી છે.