G20 સમિટ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે સોમવારે પ્રથમ વ્યક્તિગત બેઠક યોજી હતી. તાઇવાન સામે ચીનના આક્રમક વલણને પગલે અમેરિકા અને ચીન વચ્ચે કથળેલા સંબંધો વચ્ચે આ બેઠકનું વિશેષ મહત્ત્વ છે.
બાઇડન અને જિનપિંગે હાથ મિલાવ્યા હતા અને સ્મિત સાથે એકબીજાનું અભિવાદન કર્યું હતું. બે વર્ષ પહેલાં બાઇડન પ્રમુખ બન્યા પછી તેમની પ્રથમ રૂબરૂ મુલાકાત છે. જો કે, બંને નેતાએ અગાઉ ફોન પર વાતચીત કરેલી છે. અગાઉ વાઇસ પ્રેસિડન્ટ તરીકે બાઇડન ચીનના વડા સાથે સંપર્કમાં હતા.
શરૂઆતની ટિપ્પણીમાં બાઇડને કહ્યું કે તેઓ જિનપિંગ સાથે વાતચીતની લાઇન ખુલ્લી રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે હું તમારી અને મારી વચ્ચે વ્યક્તિગત રીતે વાતચીતના માધ્યમો ખુલ્લા રાખવા માટે પ્રતિબદ્ધ છું. બે રાષ્ટ્રોના નેતાઓ તરીકે આપણા પર જવાબદારી છે કે ચીન અને યુએસ મતભેદોનો ઉકેલ લાવે, સ્પર્ધાને સંઘર્ષની નજીક જતી અટકાવે તથા પરસ્પર સહકારની જરૂર હોય તેવા વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાના માર્ગ શોધે.
જિનપિંગે તેમના તરફથી જણાવ્યું હતું કે તેમની અને પ્રેસિડન્ટ બાઇડન વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક પર સમગ્ર વિશ્વનું ધ્યાન છે. હાલમાં ચીન અને અમેરિકાના સંબંધો એવા છે કે આપણે ઘણી કાળજી રાખવી પડે છે, કારણ કે તે માત્ર આપણા દેશો અને લોકોના મૂળભૂત હિતમાં જ નથી. પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય આપણી પાસેથી અપેક્ષા રાખે છે.
ચીની નેતાએ જણાવ્યું હતું કે તેઓ ચીન-યુએસના વ્યૂહાત્મક મહત્વના મુદ્દાઓ તેમજ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર બાઇડન સાથે નિખાલસ અને ઊંડાણપૂર્વકના વિચારોના આદાનપ્રદાન માટે તૈયાર છે.
ઇન્ડોનેશિયાની રાજધાની બાલીમાં 15-16 નવેમ્બરે યોજાનારા G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બાલી જવા રવાના થયા હતા..આ સમીટમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ, અમેરિકાના પ્રમુખ જો બિડેન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને ફ્રાંસના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સહિતના રાષ્ટ્રપ્રમુખો પણ હાજરી આપશે. યુક્રેનમાં આક્રમણને પગલે રશિયા અને પશ્ચિમ દેશો વચ્ચે તંગદિલીમાં થઈ રહેલા વધારા વચ્ચે આ વૈશ્વિક સમીટ યોજાઈ રહી છે.