ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ અંડર-19 ક્રિકેટ કેપ્ટન અઝિમ રફીકે દાવો કર્યો છે કે તેઓ કાઉન્ટી સાઇડ યોર્કશાયર સાથેના કાર્યકાળ દરમિયાન “આત્મહત્યા કરવાની નજીક હતા” અને ક્લબ પર સંસ્થાકીય રીતે જાતિવાદી હોવાનો આરોપ લગાવ્યો હતો.
કરાચી, પાકિસ્તાનમાં જન્મેલા અને ક્લબની કપ્તાની પણ કરી ચુકેલા ઑફ સ્પિનર અઝિમ રફીકે દાવો કર્યો હતો કે ક્લબ દ્વારા વર્ષ 2016થી 2018 દરમિયાન તેમની રેસીસ્ટ વર્તણૂંકની ફરિયાદો પ્રત્યે આંખ આડા કાન કરાયા હતા અને તેઓ જાણે કે બહારની વ્યક્તિ હોય તેવો અનુભવ કરતા હતા અને “માનવતામાં વિશ્વાસ” ગુમાવી ચૂક્યા હતા.
રફીકે કહ્યું હતું કે “હું જાણું છું કે યોર્કશાયરમાં મારા સમય દરમિયાન હું આત્મહત્યા કરવાથી કેટલો નજીક હતો. હું એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે મારા કુટુંબનું સ્વપ્ન જોતો હતો, પરંતુ અંદરથી હું મરી રહ્યો હતો. હું કામ પર જવામાં ડર અનુભવી રહ્યો હતો. મને દરરોજ દુખ થતુ હતુ. મેં તેમાં ફિટ થવા પ્રયત્નો કર્યા હતા. એક મુસ્લિમ તરીકે હું જ્યારે પાછું જોઉં છું ત્યારે પસ્તાઉ છું. મને તેનો બિલકુલ ગર્વ નથી. પણ જેવું મેં તેમાં ફિટ થવાનો પ્રયાસ કરવાનું બંધ કર્યું કે તરત જ હું એક બહારની વ્યક્તિ થઇ ગયો હતો.‘’
29 વર્ષીય રફીકના “સંસ્થાકીય જાતિવાદ”ના દાવોનો ક્લબે હજી સુધી કોઈ પ્રતિસાદ આપ્યો નથી. રફીકે આરોપ લગાવ્યો હતો કે ‘’મારા મતે રેસીઝમ ટોચ પર છે. તે પહેલા કરતા પણ વધુ ખરાબ છે. હું માનતો નથી કે તેઓ આ હકીકતને સ્વીકારવા માટે તૈયાર છે કે બદલાવવા તૈયાર છે.” ક્લબના બોર્ડના સભ્યએ રફીક સાથે વાત કરી છે અને મેટર પર રિપોર્ટ કરવામાં આવશે.
રફીકે કહ્યું હતું કે “કોઈએ મને એક અઠવાડિયા કે તેથી વધુ પહેલાં બોલાવ્યો હતો. અમારી સાથેની વાતચીત મિત્રોની જેમ હતી કોઈ સત્તાવાર ક્ષમતામાં નહીં. હવે લાગે છે કે તે કંઇક કરી રહ્યા છે તે બતાવવાનો આ પ્રયાસ હતો.’’
રફીકે એવો દાવો પણ કર્યો હતો કે ‘’યોર્કશાયરે તેના પુત્રના મૃત્યુનો ઉપયોગ તેને ક્લબમાંથી મુક્ત કરવા માટે કર્યો હતો. હું મારા દીકરાને હોસ્પિટલથી સીધો જ ફ્યુનરલ માટે લઇ ગયો હતો. યોર્કશાયરે મને કહ્યું હતું કે તેઓ મારી દેખરેખ વ્યવસાયિક અને વ્યક્તિગત રૂપે કરશે. પરંતુ તે એક ટૂંકા ઈ-મેલમાં મને કહેવામાં આવ્યું કે મને છૂટો કરવામાં આવી રહ્યો છે. તેણે મને થોડા સમય માટે મારી નાખ્યો હતો. મેં તે લોકોની આસપાસ એક દાયકાનો શ્રેષ્ઠ સમય પસાર કર્યો હતો પણ મેં માનવતામાંથી વિશ્વાસ ગુમાવ્યો હતો.”