આર્મીનું ચિતા હેલિકોપ્ટર ગુરુવારે અરુણાચલપ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં ક્રેશ થતા બે પાયલટના મોત થયા હતા. મૃતક પાયલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને તેમના કો-પાઈલટ મેજર જયંત તરીકે થઈ છે.
સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે ગુવાહાટીમાં જણાવ્યું હતું કે હેલિકોપ્ટર આસામના સોનિતપુર જિલ્લાના મિસામારીથી અરુણાચલપ્રદેશના તવાંગ તરફ ઓપરેશનલ સોર્ટી પર હતું. પ્રતિકૂળ હવામાનને કારણે હેલિકોપ્ટર મિસામારીથી પરત આવી રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરે સવારે 9.15 કલાકે એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)નો સંપર્ક ગુમાવ્યો હતો. ઇન્ડિયન આર્મી, એસએસબી અને આઇટીબીની પાંચ સર્ચ ટુકડીને તાકીદે તૈનાત કરાઈ હતી. હેલિકોપ્ટરનો કાટમાળ મંડલા નજીક મળી આવ્યો હતો. આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ અપાયો છે.