ફાયનાન્સિયલ ટાઈમ્સ (એફટી) અને ન્યૂ યોર્ક ટાઈમ્સ (એનવાયટી), વિશ્વના સૌથી વધુ વિશ્વસનિય ગણાતા બે અખબારોએ ભારતમાં ગૌતમ અદાણીના બિઝનેસ સામ્રાજ્ય સંબંધી કથિત કૌભાંડ અને વિવાદ અંગે ચિંતા દર્શાવતા એવી ટકોર કરી છે કે, આ કથિત કૌભાંડથી ફક્ત કોર્પોરેટ ઈન્ડિયા જ નહીં, નરેન્દ્ર મોદી સરકારની પ્રતિભાને પણ એવા સમયે ઝાંખપ લાગવાનું જોખમ છે કે જ્યારે અન્યથા ભારત આર્થિક મોરચે ખૂબજ મજબૂત કામગીરી દાખવી રહ્યું છે.
ફાયનાન્સિયલ ટાઈમ્સે આ ચિંતા વિષે કારણ પણ દર્શાવતા લખ્યું છે કે, હાલમાં ભારતના આ સૌથી વધુ શક્તિશાળી કોર્પોરેટ માંધાતા શા માટે વૈશ્વિક સ્તરે કોર્પોરેટ નાણાંકિય વ્યવહારોના વિવાદમાં સપડાયા છે. અખબારે આ વિવાદના સંભવિત પરિણામો વિષે આગાહી કરતાં લખ્યું છે કે, આ ભારતીય અબજોપતિના પોતાના ભવિષ્ય ઉપરાંત, કઈંક ઘણું મોટું આ વિવાદમાં દાવ ઉપર છે અને એ છે કોર્પોરેટ સંચાલનમાં ભારતમાં નિષ્પક્ષતા તેમજ ભારતનું વિકાસ મોડેલ. આ મોડેલમાં દેશની સરકારે ભારતના માળખાકિય વિકાસનું સુકાન અને સંચાલન તેમજ વિદેશોમાં પણ ભારતના પ્રણેતા તરીકેના મૂડીરોકાણોનો લગભગ સમગ્ર હવાલો મુઠ્ઠીભર અતિ સમૃદ્ધ લોકોને સોંપી દીધો છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ મંગળવારે (7 ફેબ્રુઆરી) સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના હવે વિવાદોમાં ઘેરાઈ ગયેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અંગત સંબંધોને નિશાન બનાવતાં એવું કહ્યું હતું કે, પોતાની તાજેતરની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રામાં તેમણે ફક્ત એક જ નામ વારંવાર સાંભળ્યું હતું – અદાણી, અદાણી, અદાણી.
રાહુલે ગૌતમ અદાણીના ખાનગી વિમાનમાં તેમની સાથે નરેન્દ્ર મોદીની તસવીર પણ સંસદમાં – લોકસભામાં દર્શાવી હતી, જેની સામે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વાંધો લીધો હતો.
સોમવારે કર્ણાટકમાં મોદીએ સરકારી સંરક્ષણ ક્ષેત્રની ઉત્પાદક કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના એક યુનિટનું ઉદઘાટન કરતાં વિરોધ પક્ષો ઉપર પ્રહારો કર્યા હતા, તેનો જવાબ પણ આપતાં રાહુલે લોકસભામાં કહ્યું હતું કે, મોદી ગમે તે કહે, ફ્રાન્સ સાથેના રાફેલ યુદ્ધ વિમાનોના સોદામાં 126 વિમાન બનાવવાનો કોન્ટ્રાકટ એ કંપની પાસેથી આંચકી લઈ અનિલ અંબાણીને કંપનીને તાસક ઉપર ધરી દેવાયો હતો.
પોતાના અને ગ્રુપ વિષે આક્ષેપોને ખુદ અદાણીએ એક રીતે સ્વિકૃતિ આપી દેતાં હિન્ડેનબર્ગના રીપોર્ટના પ્રતિભાવમાં એવું કહી દીધું હતું કે, આ રીપોર્ટ એક ચોક્કસ કંપનીને તો બિનજરૂરી રીતે નિશાન બનાવે જ છે, પણ તે ઉપરાંત એ ભારત ઉપર, તેની સ્વતંત્રતા, તેની પ્રામાણિકતા ઉપર તેમજ ભારતીય સંસ્થાઓની ગુણવત્તા તેમજ ભારતની મહત્ત્વાકાંક્ષા અને વિકાસગાથા ઉપરનો એક ગણતરીપૂર્વકનો હુમલો છે. આ રીતે, તેમણે અદાણી ગ્રુપ જ ભારત હોવાનું આડકતરી રીતે કહેવાનો પ્રયાસ કર્યો હતો.
તો ન્યૂ યોર્ક ટાઈમ્સે એવું લખ્યું હતું કે, અદાણી ગ્રુપનો વિકાસ જે અસાધારણ વેગે થયો હતો, તેના કરતાં પણ વેગિલું તેનું પતન થઈ રહ્યું છે. આ સામ્રાજ્યના પતનની પીડા સમગ્ર દેશે વેઠવાની આવશે, તેના આર્થિક અને રાજકિય ક્ષેત્રો હચમચી જશે.
અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુમાં ફક્ત ગણતરીના દિવસોમાં 110 અબજ ડોલરનું – તેના અગાઉના મૂલ્ય કરતાં લગભગ 50 ટકાનું ગાબડું પડ્યું હતું, જાણે ફૂટેલા ફૂગ્ગામાંથી અચાનક બધી હવા નિકળી ગઈ હતી.એફટીએ લખ્યું હતું કે, અદાણી ગ્રુપ વિષેના આક્ષેપો સાચા ઠરે તો એ ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ક્ષોભજનક સ્થિતિ બની રહેશે, કારણ કે તેમના ગૌતમ અદાણી સાથેના અત્યંત ગાઢ અંગત સંબંધો ખૂબજ જાણીતા છે અને કૌભાંડની વાત સાચી ઠરે તો ભારત સરકારની માલિકીની કેટલીયે બેંકો તથા વીમા કંપનીઓની આર્થિક સદ્ધરતા તથા પ્રતિષ્ઠા સામે પણ મોટું જોખમ ચોક્કસપણે ઉભું જ છે.
અદાણીની નેટવર્થ 2014માં 7 અબજ ડોલર્સની હતી તે વધીને 2023માં હિન્ડેનબર્ગના રીપોર્ટના આંચકા પહેલા લગભગ 400 ટકા વધીને આઠ વર્ષમાં 100 અબજ અમેરિકન ડોલર્સથી વધુની થઈ હતી, તેની ગણના વિશ્વના ટોચના પાંચ ધનકુબેરોમાં થવા લાગી હતી.
આ કથિત કૌભાંડની રાજકીય અસરોની છણાવટ કરતાં એફટીએ જણાવ્યું હતું કે, “હવે પ્રશ્ન એ છે કે, મોદી સાથેના ગાઢ સંબંધો અદાણીને કેટલી હદે બચાવી શકશે, અને એવું થશે તો આજની ભારતીય સરકારી અને નિયમન સંસ્થાઓના કાર્યવાહીના જડપણા વિષે તે કેવો સંદેશો આપશે.”
અખબારે એ વાતની પણ નોંધ લીધી હતી કે, આજે ભારતમાં સ્થિતિ એવી છે કે, લોકો સરકાર કે સરકારના માનિતા લોકોની ટીકા પણ જાહેરમાં કરવા તૈયાર નથી. દેશની કેટલીક અગ્રણી કંપનીઓના સીઈઓને એફટીએ અદાણી વિવાદ વિષે તેઓ શું માને છે તેવું પૂછતાં લગભગ તમામ લોકોએ તેમનું નામ જાહેર નહીં કરવાની હૈયાધારણ છતાં એ વિષે કઈં કહેવાનો સાફ ઈનકાર કર્યો હતો.