પૈરાણિક શહેર જોશીમઠ હાલમાં જમીન ધસી પડવાની કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યું છે. આ શહેર સામેના જોખમમાં સતત વધારો થઈ રહ્યો છે. જોખમી બનેલી બે હોટેલ્સ તોડી પાડવાની હજુ બાકી છે, ત્યારે વધુ બે હોટેલો એકબીજા તરફ જોખમી રીતે નમી ગઈ છે અને તૂટી પડવાનું જોખમ ઊભું થયું છે. બીજી તરફ એશિયાના સૌથી મોટા રોપ-વે ગણાતા ઔલી રોપવેનીના પરિસરમાં મોટી તિરાડો પડી છે. સુપ્રીમ કોર્ટમાં જોશીમઠના મામલાની સોમવારે સુનાવણી થશે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જોશમઠને સમસ્યાને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની સર્વોચ્ચ અદાલતમાં માગણી કરી છે.
જોશીમઠના મારવાડી વિસ્તારમાં JP કોલોનીમાં એક શંકાસ્પદ ભૂગર્ભ ચેનલમાંથી પાણીનો પ્રવાહ વધ્યો હતો. આ ભૂગર્ભ ચેનલ ફાટી ગઈ હોવાનું માનવામાં આવે છે અને બે દિવસ પહેલા પાણીનો પ્રવાહ ઘટ્યો હતો. 2 જાન્યુઆરીથી આ ચેનલમાંથી સતત કાદવવાળું પાણી નીચે ઉતરી રહ્યું છે, પરંતુ નિષ્ણાતો તેના મૂળ વિશે ચોક્કસ નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી રણજીત કુમાર સિંહાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણીના પ્રવાહની ગતિ પર સતત તકેદારી રાખવામાં આવી રહી છે.
હોટેલો મલારી ઇન અને માઉન્ટ વ્યૂને તોડી પાડવાની પ્રક્રિયા હજુ ચાલુ ત્યારે આ સ્થળથી લગભગ 100 મીટરના અંતરે, વધુ બે હોટલો – સ્નો ક્રેસ્ટ અને ધૂમકેતુ – જોખમી રીતે એકબીજા તરફ નમી ગઈ છે અને સાવચેતીના પગલા તરીકે ખાલી કરવામાં આવી છે. સ્નો ક્રેસ્ટના માલિકની પુત્રી પૂજા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “બંને હોટલ વચ્ચેનું અંતર પહેલા ચાર ફૂટ જેટલું હતું, પરંતુ હવે તે ઘટીને માત્ર થોડા ઇંચ જેટલું જ થઈ ગયું છે અને બંને હોટેલ્સની છત લગભગ એકબીજાને સ્પર્શી રહી છે.”
જોશીમઠ-ઓલી રોપ-વે નજીક મોટી તિરાડો દેખાવા લાગી છે. 4.5 કિમીનો રોપવે 6000 ફૂટ પર આવેલા જોશીમઠને 9000 ફૂટની ઊંચાઈ આવેલા ઔલીના સ્કીઇંગ ડેસ્ટિનેશનને કનેક્ટ કરે છે. રોપવેના ઈજનેર દિનેશ ભટ્ટે જણાવ્યું હતું કે, રોપવે પરિસરમાં દિવાલોની નજીક ચાર ઈંચ પહોળી અને 20 ફૂટ લાંબી તિરાડ દેખાઈ છે.
શહેરના મારવાડી વિસ્તારમાં અજાણ્યા સ્ત્રોતમાંથી પાણીનો પ્રવાહ 190 લિટર પ્રતિ મિનિટ (LPM)થી વધીને 240 લિટર પ્રતિ મિનિટ થયો છે. 12 જાન્યુઆરીએ પાણીનો પ્રવાહ ઘટીને પ્રતિ મિનિટ 190 લીટર થયો હતો.