ભ્રષ્ટાચારના જુદા જુદા કેસમાં જેલમાં ગયા પછી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના બે કેબિનેટ પ્રધાનોએ મંગળવારે રાજીનામા આપ્યા હતા. આ પ્રધાનોમાં ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો સમાવેશ થાય છે. મનીષ સિસોદિયા પાસે શિક્ષણ, આબકારી સહિતના કુલ 18 વિભાગો હતો. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમના રાજીનામું સ્વીકારી લીધા છે અને ટૂંક સમયમાં નવા પ્રધાનોને લાવવા માટે કેબિનેટમાં ફેરફાર થવાની ધારણા છે.
શરાબ કૌભાંડમાં 27 ફેબ્રુઆરીએ સીબીઆઇએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી, જ્યારે સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગ કેસમાં ગયા મે મહિનામાં ધરપકડ થઈ હતી.
દિલ્હીની વિશેષ કોર્ટે શરાબ કૌભાંડમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને સોમવારે પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડમાં મોકલ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ કોઇ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
સિસોદિયાની ધરપકડના વિરોધમાં વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અનેક રાજ્યોમાં દેખાવો કર્યા હતા. આપ અને બીજેપી વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું હતું. ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું હતું. સીબીઆઇએ ખાસ કોર્ટમાં સિસોદિયાને કડક સલામતી બંદોબસ્ત વચ્ચે રજૂ કર્યા હતા અને પાંચ દિવસની કસ્ટડીની માગણી કરી હતી. તેનું કહેવું હતું કે આ કેસમાં આમ આદમી પાર્ટીના નેતાની અસરકારક પૂછપરછ જરૂરી છે.
આપના નેતાઓ અને કાર્યકરો આ ધરપકડના વિરોધમાં દિલ્હી, ચંડીગઢ, ભોપાલ, કોલકાતા, મુંબઇ, શ્રીનગર, જમ્મુ, પણજી, પટણા અને અન્ય અનેક શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે કેન્દ્ર સરકાર રાજકીય હરીફોને નિશાન બનાવવા માટે તેની સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે. પ્રદર્શનકારીઓ હાથમાં બેનરો લઇ રાખ્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા. આપના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સરકારના અત્યાર સુધી બે મોટા પ્રધાન જેલમાં છે.