ભારતીય હવાઇદળના ડોક્ટર્સ દ્વારા હવાઇ દળની મહિલા અધિકારી પર કથિત રીતે કરવામાં પ્રતિબંધિત ટુ-ફિંગર ટેસ્ટની ઘટનાથી વિવાદ ઊભો થયો હતો. રાષ્ટ્રીય મહિલા પંચે જોરદાર વિરોધ કર્યો છે અને આ મુદ્દે જરૂરી પગલાં લેવા એર ચીફ માર્શલને સૂચના આપી છે. સામાન્ય રીતે રેપના કેસમાં મહિલાની તપાસ માટે આવો ટુ-ફિંગર ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં મહિલાના ગુપ્ત ભાગમાં એક કે બે આંગળી નાંખીને ચકાસણી કરવામાં આવે છે. ભારતમાં આવા ટેસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.
એક સહઅધિકારીઓના કથિત જાતિય હુમલાનો શિકાર બનેલી 28 વર્ષીય મહિલા અધિકારીએ દાવો કર્યો હતો કે તેને આ આઘાતમાંથી પસાર થવું પડ્યું હતું.મીડિયા અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રીય મહિલા પંચે જણાવ્યું હતું કે એર ફોર્સના ડોક્ટર્સ દ્વારા પીડિત મહિલા પર પ્રતિબંધિત ટુ ફિંગર ટેસ્ટની ઘટનાથી મહિલા પંચ ઘણુ નિરાશ થયું છે અને તેની સખત નિંદા કરે છે. ડોક્ટર્સે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ અનાદર કર્યો છે. તેનાથી પીડિતાના ગુપ્તતા અને ગૌરવના અધિકારનો પણ ભંગ થાય છે.
મહિલા પંચના વડા રેખા શર્માએ એર ફોર્સના એર ચીફ માર્શલને પત્ર લખીને જરૂરી પગલાં લેવાની તથા હાલના નિયમો અંગે એર ફોર્સના ડોક્ટર્સને જાણકારી આપવાની માગણી કરી હતી. 2014માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આવા ટેસ્ટ બિનવૈજ્ઞાનિક જાહેર કર્યો હતો. સરકારે પણ આ અંગે ગાઇડલાઇન જારી કરી છે.
આ મહિલા અધિકારી પર જાતિય હુમલો કરવાના આરોપમાં ગયા સપ્તાહે ફ્લાઇટ લેફ્ટનન્ટને ધરપકડ કરવામાં આવી હતી. એર ફોર્સ સત્તાવાળાએ આરોપી સામે યોગ્ય પગલાં ન લેતા આ મહિલા અધિકારીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.