ગુજરાતમાં બે દિવસમાં કથિત રીતે કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇને બે ખેડૂતોના મોત થયા હતા. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વીરણીયા ગામના ખેડૂતનું ઠંડીમાં ઠૂઠવાઈ જતાં મોત નીપજ્યું હતું. પતી-પત્ની ખેતરમાં પાણી વાળવા ગયા હતાં. ખેતરમાંથી વહેલી સવારે ઘરે પરત આવ્યા બાદ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે રાત્રીની જગ્યાએ દિવસે ખેડૂતોને વીજળી આપવાની માગણી તેજ બની હતી.
અગાઉ મોડાસાના ટીટોઇ ગામનાં 57 વર્ષીય ખેડૂતનું ઠંડીથી મોત થતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ ખેડૂત પણ ખેતરમાં પાણી વાળવા ગયા હતા. તે દરમિયાન કાતિલ ઠંડીના કારણે તેમનું મોત નિપજ્યું. સરકાર ખેડૂતોને માત્ર રાત્રીએ વીજળી આપતી હોવાથી ખેડૂતોએ ઠંડીમાં રાત્રે પીયત કરવું પડતું હોય છે.અરવલ્લીમાં 62 વર્ષીય પગી લક્ષ્મણજી જીવાજી નામના ખેડૂતનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.