કોરોનાના કેસોમાં ફરી ચિંતાજનક વધારા વચ્ચે હોસ્પિટલની તૈયારીની ચકાસણી કરવા માટે 10 અને 11 એપ્રિલ રાષ્ટ્રવ્યાપી મોક ડ્રીલ યોજાશે. તેમાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોની હોસ્પિટલો ભાગ લે તેવી શક્યતા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 10 એપ્રિલે એઈમ્સ, ઝજ્જરની મુલાકાત લેશે અને મોક ડ્રીલની દેખરેખ કરશે.

ભારતમાં કોરોનાના દૈનિક 5,357 નવા કેસો નોંધાયા હતા અને તેનાથી એક્ટિવ કેસની સંખ્યા વધી 32,814 થઈ હતી. દૈનિક નવા 11 મોત સાથે કોરોનાનો મૃત્યુઆંક વધીને આશરે 5.30 લાખ થઈ હતી. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લોકોના મોત થયા હતા તથા હિમાચલપ્રદેશમાં બે લોકોના મોત થયા હતા. આ ઉપરાંત બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તરપ્રદેશમાં એક-એકના મોત થયા હતા. રવિવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અપડેટ કરેલા ડેટામાં આ માહિતી અપાઈ હતી. કોરોનાના કુલ કેસ વધીને 4.47 કરોડ થઈ હતી. એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 0.07 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.74 ટકા થયો હતો.

7 એપ્રિલે યોજાયેલી સમીક્ષા બેઠકમાં માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીઓને હોસ્પિટલોની મુલાકાત લેવા અને મોક ડ્રીલની દેખરેખ રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે 8 અને 9 એપ્રિલના રોજ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરવાની પણ સલાહ આપી હતી.

વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્યના આરોગ્ય પ્રધાનો તથા મુખ્ય અને વધારાના મુખ્ય સચિવો સાથેની બેઠકમાં માંડવિયાએ ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI)ના કેસોના ટ્રેન્ડ પર દેખરેખ રાખીને ઇમર્જન્સી હોટસ્પોટ્સને ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY