કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પહેલી ફેબ્રુઆરીએ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બે કરોડ મકાનોનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી હોવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)નું અમલીકરણ ચાલુ રહ્યું છે અને ત્રણ કરોડ ગ્રામીણ મકાનો બનાવવાનો લક્ષ્યાંક ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. પરિવારોની સંખ્યામાં વધારો થવાથી ઊભી થતી જરૂરિયાતને પહોંચી વળવા માટે આગામી પાંચ વર્ષમાં વધુ બે કરોડ મકાનો બાંધવામાં આવશે.
PMAY(G) દેશના ગ્રામીણ ગરીબો માટે આવાસ આપવાની માટેનો એક સામાજિક કલ્યાણ કાર્યક્રમ છે. યોજના હેઠળ મેદાની વિસ્તારોમાં ₹1.20 લાખ અને પહાડી વિસ્તારોમાં ₹1.30 લાખની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 60:40 રેશિયોમાં ઉઠાવે છે.