કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા જમ્મુ પહોંચે તેના માત્ર બે દિવસ પહેલા શનિવારે શહેરમાં 15 મિનિટના અંતમાં ઉપરાછાપરી બે વિસ્ફોટથી થયા હતા. તેનાથી નવ લોકો ઘાયલ થયા હતા. જમ્મુની બહાર આવેલા નરવાલના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં રિપેર શોપમાં પાર્ક કરેલી SUV અને નજીકના જંકયાર્ડમાં એક વ્હિકલમાં બે વિસ્ફોટ થયા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ વિસ્ફોટોની સખત નિંદા કરી હતી અને જવાબદારો સામે પગલાં લેવાની તાકીદ કરી હતી.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા અને આગામી ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ વિસ્તારની સુરક્ષા એજન્સીઓ હાઇએલર્ટ પર છે ત્યારે ત્રાસવાદીઓએ આ વિસ્ફોટો કર્યા હોવાનું માનવામાં આવે છે. ભારત જોડો યાત્રા ગુરુવારે સાંજે પંજાબના રસ્તે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પ્રવેશી હતી અને જમ્મુથી આશરે 70 કિમી દૂર ચડવાલમાં યાત્રાનો પડાવ છે. ભારત જોડો યાત્રા 23 જાન્યુઆરીએ જમ્મુમાં આવશે.
અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંઘે જણાવ્યું હતું કે સવારે 11 વાગ્યાની આસપાસ એક પાર્ક કરેલી જૂની બોલેરોમાં વિસ્ફોટ થયો હતો. તેનાથી નજીકમાં ઉભેલા પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર છે. વિસ્ફોટ પછી સમગ્ર વિસ્તાર ખાલી કરાવાયો હતો, પરંતુ માત્ર 50 મીટર દૂરના સ્થળે બીજો બ્લાસ્ટ થયો હતો. તેનાથી વધુ એક વ્યક્તિને ઇજા થઈ હતી. આ વિસ્ફોટોનો વધુ તપાસ ચાલુ છે.
વિસ્ફોટોને પગલે સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલમાં કુલ નવ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં લાવવામાં આવ્યા હતા.એકને પેટમાં ઇજા થઈ હતી, જ્યારે બીજા બે લોકોને પગમાં ફેક્ટર થયું હતું.