કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે જાહેરાત કરી હતી કે, ઓસ્ટ્રેલિયનની બે યુનિવર્સિટીઓ – વોલોન્ગોંગ અને ડેકિન – ટૂંક સમયમાં ગુજરાતના ‘ગિફ્ટ સિટી‘માં કેમ્પસ ખોલશે. ગાંધીનગર ખાતેનું ગિફ્ટ સિટી ઊભરતું ગ્લોબલ ફાઇનાન્શિયલ એન્ડ આઇટી સર્વિસ સેન્ટર છે.
આગામી સપ્તાહે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન બંને યુનિવર્સિટીઓ તેમના કેમ્પસ સ્થાપવા અંગેના કરાર પર હસ્તાક્ષર કરશે. પ્રધાને જણાવ્યું હતું કે “ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓ ગુજરાતમાં GIFT સિટીમાં કેમ્પસ સ્થાપશે. અમે યુવાનો માટે સુલભતા, પોષણક્ષમતા અને શિક્ષણની ગુણવત્તા સાથે ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરવા માંગીએ છીએ.”
GIFT (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક) સિટીમાં તેમના કેમ્પસ સ્થાપનારી આ પ્રથમ બે વિદેશી યુનિવર્સિટીઓ છે. ઓસ્ટ્રેલિયન પ્રધાને એવી પણ જાહેરાત કરી હતી કે વોલોંગોંગ યુનિવર્સિટીના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તથા ભૂતપૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ ભારતમાં યુનિવર્સિટી કેમ્પસ સ્થાપવામાં મદદ કરશે.