કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગત મહિને ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલને એક પત્ર લખીને અભિવ્યક્તિની આઝાદીને નિયંત્રિત કરવાનો આક્ષેપ કર્યો મુક્યો હતો. ગત વર્ષે 27 ડિસેમ્બરે લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં અભિવ્યક્તિની આઝાદીને નિયંત્રિત કરવામાં ટ્વીટર અજાણતા જ તેમાં સામેલ છે. રાહુલ ગાંધીએ પત્રની સાથે એક એનાલિટિકલ રીપોર્ટ પણ મોકલ્યો હતો. તેમાં તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટના ડેટાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસી નેતા શશિ થરૂરના એકાઉન્ટનું વિશ્લેષણ દર્શાવ્યું હતું.
રાહુલ ગાંધીએ પત્ર જણાવ્યું કે, ગત વર્ષના પ્રથમ સાત મહિનામાં તેમના એકાઉન્ટ પર દર મહિને સરેરાશ 4 લાખ ફોલોઅર્સ વધ્યા પરંતુ ઓગસ્ટમાં આઠ દિવસના સસ્પેન્શન બાદ આ વૃદ્ધિ અચાનક અટકી ગઇ હતી. જોકે, આ સમયગાળા દરમિયાન અન્ય નેતાઓના ફોલોઅર્સની સંખ્યા જળવાઈ રહી.
રાહુલ ગાંધીના આ પત્રના જવાબમાં ટ્વીટરના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે, સૌ વિશ્વાસ રાખે કે ફોલોઅર્સની સંખ્યા સાર્થક અને સચોટ છે. ટવીટર પોતાના પ્લેટફોર્મ પર હેરફેર અને સ્પામ પ્રત્યે ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવે છે.’